Indian Railways Passenger Grievance: ટ્રેનોના રિઝર્વ કોચમાં ટિકિટ વગરના લોકોનું ચઢવું અને બેસવું એ હવે સામાન્ય વાત બની ગઈ છે, પરંતુ ગુજરાતમાં સુરતથી દાહોદ સુધી પરિવાર સાથે મુસાફરી કરનાર એક વ્યક્તિને કડવો અનુભવ થયો હતો. કન્ફર્મ ટિકિટ હોવા છતાં આ વ્યક્તિએ પોતાના બાળકોને ખોળામાં બેસાડવા પડ્યા હતા.
ભારતીય રેલવેમાં મુસાફરી દરમિયાન તમે અવારનવાર સાંભળ્યું હશે કે “પ્લીઝ કો-ઓપરેટ કરો”. રેલવેમાં વધતા જતા આ ‘પ્લીઝ કો-ઓપરેટ કલ્ચર’ને લઈને એક મુસાફરે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ગુજરાતમાં સુરતથી દાહોદ સુધીના આશરે 300 કિલોમીટરના અંતરમાં એક મુસાફરે કન્ફર્મ ટિકિટ હોવા છતાં પરિવાર સાથે માંડ-માંડ મુસાફરી પૂરી કરી. મુસાફરે પોતાના બાળકોને પાંચ કલાક સુધી ખોળામાં બેસાડી રાખ્યા, કારણ કે થર્ડ એસી કોચમાં ભારે ભીડ હતી અને ટ્રેનમાં ચઢેલા એક ગ્રુપે આખી જગ્યા રોકી લીધી હતી. આ મુસાફરને વારંવાર ‘એડજસ્ટ’ થવા માટે વિનંતી કરવામાં આવી રહી હતી.
કન્ફર્મ ટિકિટમાં પણ મુશ્કેલ મુસાફરી
મુસાફરે એક વેબસાઈટ પર પોતાની આપવીતી લખી છે, જેનું શીર્ષક છે: “થર્ડ એસી ટિકિટ માટે 2000 રૂપિયા આપ્યા, માત્ર 5 કલાક સુધી બાળકોને ખોળામાં લઈને મુસાફરી કરવા માટે.” તેણે લખ્યું કે ટ્રેનમાં આ ‘કો-ઓપરેટ’ કલ્ચર હવે નિયંત્રણ બહાર જઈ રહ્યું છે. મુસાફરે જણાવ્યું કે તેણે અને તેની પત્નીએ સુરતથી દાહોદ સુધીની પશ્ચિમ એક્સપ્રેસમાં થર્ડ એસી સીટો બુક કરાવી હતી. મુસાફરીનો સમય ઓછો હોવાથી તેમણે તેમની બે દીકરીઓ માટે અલગ બર્થ રિઝર્વ નહોતી કરાવી.
થોડી જ વારમાં સ્થિતિ વણસી ગઈ
મુસાફરે જણાવ્યું કે સુરતથી ટ્રેનમાં ચઢ્યાના થોડા સમય બાદ જ હાલત ખરાબ થઈ ગઈ હતી. તેમને ખબર પડી કે તેમના કમ્પાર્ટમેન્ટમાં પહેલાથી જ 8 લોકોનું એક મોટું ગ્રુપ બેઠેલું છે, જેમની પાસે ઓછામાં ઓછી 25 બેગ (સામાન) હતી, જ્યારે તેમની પાસે માત્ર બે જ કન્ફર્મ ટિકિટ હતી. મુસાફરનો આરોપ છે કે તે લોકો કહેતા હતા કે તેઓ લગ્નમાંથી પરત ફરી રહ્યા છે. આ ગ્રુપે સીટની નીચેની જગ્યા સામાનથી ભરી દીધી હતી અને બેસવાની મોટાભાગની જગ્યા પણ રોકી લીધી હતી, અને ઉપરથી તેઓ વારંવાર બીજા મુસાફરોને ‘પ્લીઝ કો-ઓપરેટ’ કરવાની વિનંતી કરતા હતા. પશ્ચિમ એક્સપ્રેસ મુંબઈના બાંદ્રા ટર્મિનસથી અમૃતસર જંક્શન સુધી ચાલે છે અને વડોદરા, કોટા, નવી દિલ્હી જેવા સ્ટેશનોથી પસાર થાય છે. હજુ સુધી આ ઘટના પર રેલવેની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

