Jagdish Vishwakarma Controversial Statement: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, પરંતુ બનાસકાંઠામાં યોજાયેલા એક સંમેલનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આપેલા નિવેદને નવો વિવાદ છેડ્યો છે. તેમણે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. વિશ્વકર્માએ કહ્યું કે, લોકસભામાં બનાસકાંઠાની બેઠક ગુમાવવાનું રંજ આખા ગુજરાતને હતું, પરંતુ વર્તમાન ચૂંટણીમાં જનતાએ કોંગ્રેસને એવો તમાચો માર્યો છે કે તે ક્યારેય ભૂલી શકશે નહીં. આ નિવેદનથી શરૂ થયેલી ચર્ચાએ હવે ગંભીર વળાંક લીધો છે.
સાડીના પાલવના શબ્દપ્રયોગથી વકર્યો વિવાદ
વિવાદનું મુખ્ય કારણ જગદીશ વિશ્વકર્માએ કરેલો ‘સાડીના પાલવ’નો શબ્દપ્રયોગ છે. તેમણે મંચ પરથી કહ્યું હતું કે, “જનતાએ ગેનીબેનની સાડીના પાલવમાંથી બે બેઠકો આંચકીને ભાજપને જીતાવી આપી છે.” આ ટિપ્પણી સામે કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગેનીબેન ઠાકોરે આકરો પ્રહાર કરતા જણાવ્યું કે, પલ્લુ એટલે મહિલાની મર્યાદા અને સંસ્કારની ઓળખ છે, તેની પર આવી હલકી ટિપ્પણી કરવી એ સમગ્ર નારી શક્તિનું અપમાન છે. તેમણે જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંકતા કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાથી લડી બતાવે.
સંતો અને સામાજિક અગ્રણીઓ મેદાને
આ મામલે માત્ર રાજકીય નેતાઓ જ નહીં, પરંતુ સાધુ-સંતો પણ મેદાને આવ્યા છે. ભારતી આશ્રમના ઋષિ ભારતી બાપુએ આ નિવેદનને અસંસ્કારી ગણાવતા કહ્યું કે, અમુક નેતાઓને સત્તાના નશામાં બોલવાનું ભાન નથી રહેતું. નારીના પાલવ સુધી હાથ નાખવાની વાત કરવી એ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. કોંગ્રેસના અન્ય નેતાઓ અને ધારાસભ્યોએ પણ જગદીશ વિશ્વકર્માને માફી માંગવા માંગ કરી છે. તેમનું કહેવું છે કે જાહેર મંચ પરથી એક મહિલા લોકપ્રતિનિધિ વિશે આવા શબ્દો બોલવા એ ભાજપની મહિલા વિરોધી માનસિકતા છતી કરે છે.
રાજકીય ગરમાવો અને જનતાનો આક્રોશ
બનાસકાંઠામાં આ નિવેદન બાદ ઠાકોર સમાજ અને મહિલા સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષનું કહેવું છે કે ભાજપ જીતના નશામાં છકી ગયું છે અને સંસ્કારો ભૂલી રહ્યું છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર પણ ‘નારી શક્તિના સન્માન’ને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે. લોકશાહીમાં હાર-જીત થતી રહે છે, પરંતુ વ્યક્તિગત ટિપ્પણીઓ અને સ્ત્રી ગરિમાને ઠેસ પહોંચાડતા શબ્દો જ્યારે નેતાઓના મુખેથી નીકળે છે, ત્યારે તે સમાજ માટે લાલબત્તી સમાન છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ પણ વાંચો: Rajkot Heatwave: સૌરાષ્ટ્રમાં હીટવેવનો હાહાકાર, હિટસ્ટ્રોકે લીધો બે યુવાનોનો ભોગ – Newz Cafe

