Kajal Maheriya Marriage Controversy: ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના લગ્નને લઈને હાલમાં એક મોટો વિવાદ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કાજલે પરિવારની મંજૂરી વિના અને સમાજને વિશ્વાસમાં લીધા વગર પ્રેમલગ્ન કરી લેતા તેના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કાજલના ભાઈ સંદીપભાઈએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ મૂકીને મહેરિયા સમાજ પાસે મદદની અપીલ કરી હતી. પરિવારનો આક્ષેપ છે કે કાજલે સામાજિક મર્યાદાઓનો ભંગ કરીને આ પગલું ભર્યું છે, જેના કારણે ગોઢવા ગામના તેમના પરિવારને આઘાત લાગ્યો છે.
શેરથા ગામે સાસરીમાં પરિવારનો હલ્લાબોલ અને પોલીસ બંદોબસ્ત
રવિવારે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ્યારે કાજલના પરિવારજનો અને સમાજના આશરે ૭૦ જેટલા આગેવાનો કાફલા સાથે ગાંધીનગરના શેરથા ગામે કાજલની સાસરીમાં પહોંચ્યા હતા. પરિસ્થિતિ તણાવપૂર્ણ બનતા કાજલના પતિએ તાત્કાલિક ૧૧૨ પર ફોન કરીને પોલીસની મદદ માંગી હતી. અડાલજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જતાં કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકી ગયો હતો. અનેક ગાડીઓ અને લોકોના ટોળાને જોઈને વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જાયું હતું અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
View this post on Instagram
અડાલજ પોલીસ મથકે પૂછપરછ અને કાજલની કબૂલાત
ઘટના બાદ બંને પક્ષોને અડાલજ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. દેસાઈના જણાવ્યા અનુસાર, પરિવારે એવી રજૂઆત કરી હતી કે તેમને કાજલના લગ્ન અંગે કોઈ સત્તાવાર જાણકારી નથી. પોલીસ સમક્ષ હાજર થઈને કાજલ મહેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે તેણે પોતાની મરજીથી લગ્ન કરી લીધા છે અને તે ટૂંક સમયમાં તેનું મેરેજ સર્ટિફિકેટ પોલીસ સમક્ષ રજૂ કરી દેશે. અત્યાર સુધી આ મામલે કોઈ ફોજદારી ફરિયાદ નોંધાઈ નથી, માત્ર પૂછપરછ બાદ બંને પક્ષોને રવાના કરવામાં આવ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ અને ચાહકોમાં ચર્ચા
કાજલના ભાઈ દ્વારા કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે, જેના કારણે સિંગરના લાખો ચાહકોમાં પણ આ વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અગાઉ પણ ગુજરાતની અન્ય લોકગાયિકાઓના લગ્ન આ પ્રકારે વિવાદોમાં સપડાયા છે, ત્યારે કાજલ મહેરિયાના કેસમાં હવે કાયદેસરના પુરાવાઓ સામે આવ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. સમાજના આગેવાનો હજુ પણ આ મામલે યોગ્ય ઉકેલની અપેક્ષા રાખી રહ્યા છે, જ્યારે કાજલે પોતાના અંગત જીવનનો નિર્ણય પોતે લીધો હોવાનું મક્કમતાથી જણાવ્યું છે.

