Mallikarjun Kharge illiterate Remark: આ 6 કરોડ ગુજરાતીઓનું અપમાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદન પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ

Arati Parmar
3 Min Read

Mallikarjun Kharge illiterate Remark: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદન પર ગુજરાતથી લઈને નવી દિલ્હી સુધી રાજકારણ ગરમાતું દેખાઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખરગેના નિવેદનની આલોચના કરતા કોંગ્રેસ પાસે માફીની માંગ કરી છે. ખરેખર, ખરગેએ ભાજપ પર નિશાન સાધતા એમ કહી દીધું હતું કે ગુજરાતના લોકો અભણ છે, તેઓ એટલા માટે જ ભાજપને વારંવાર જીતાડે છે. પાંચ રાજ્યોની ચૂંટણીની સાથે જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ નિવેદન કોંગ્રેસ માટે મુસીબત બનતું દેખાઈ રહ્યું છે. દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ વળતો પ્રહાર કર્યો તો બીજી તરફ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે વિરોધ નોંધાવ્યો છે.

ખરગેના કયા નિવેદન પર ભડકી ભાજપ?

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ રવિવારે કેરળમાં પોતાના વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક કથિત રીતે વિવાદિત નિવેદન આપ્યું. તેમણે ગુજરાતના લોકોને ‘અભણ’ કહ્યા અને દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ‘મૂર્ખ’ બનાવી રહ્યા છે.

- Advertisement -

સીએમએ મહાત્મા ગાંધીના અપમાન સાથે જોડ્યું

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ (X) પર લખ્યું છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેજી દ્વારા ગુજરાતના લોકોના સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદનો અત્યંત વાંધાજનક અને કમનસીબ છે. આ પ્રકારની ટિપ્પણી ન માત્ર 6 કરોડ ગુજરાતીઓનું અપમાન છે, પરંતુ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડે છે. ગુજરાતે હંમેશા રાષ્ટ્ર નિર્માણ, વિકાસ અને એકતામાં અગ્રણી ભૂમિકા ભજવી છે અને આગળ પણ કરતું રહેશે. આવા નિવેદનો કોંગ્રેસની સંકુચિત વિચારસરણી દર્શાવે છે. પટેલે લખ્યું છે કે આ ટિપ્પણી સ્પષ્ટ કરે છે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિ અને તેને મળી રહેલા વ્યાપક જનસમર્થનથી કોંગ્રેસ કેટલી અસહજ અને અસુરક્ષિત અનુભવી રહી છે.

ભાજપના વિકાસને સમર્થન મળશે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યું છે કે ગુજરાતની જાગૃત જનતા આવા નિવેદનોનો જવાબ આપતા જાણે છે, અને આગામી સમયમાં કેરળની જનતા પણ કોંગ્રેસને નકારીને ભાજપની વિકાસની રાજનીતિનું સમર્થન કરશે, તે નિશ્ચિત છે. બીજી તરફ આ મુદ્દે પુડુચેરીમાં નિવેદન આપતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે હંમેશા બીજાને અપમાનિત કરવા, રાજ્યના લોકોને અપમાનિત કરવા, તે મલ્લિકાર્જુન ખરગે અને કોંગ્રેસના નેતાઓનું ચરિત્ર છે. હું પૂછું છું કે મલ્લિકાર્જુન ખરગેજી, તે જ ગુજરાતમાંથી સરદાર પટેલ પણ આવે છે, તે જ ગુજરાતમાંથી મહાત્મા ગાંધી પણ આવે છે, શું તમે તેમને પણ અપમાનિત નથી કર્યા? ભાજપ તરફથી દિલ્હીથી લઈને ગુજરાત સુધી હુમલો કરવામાં આવતા કોંગ્રેસની કોઈ પ્રતિક્રિયા હજુ સામે આવી નથી. કેરળમાં 9 એપ્રિલે મતદાન થવાનું છે.

- Advertisement -
Share This Article