Medical college ragging scandal: ભાવનગર મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્ન તબીબો સાથે રેગિંગ અને મારામારી કરનારા આઠેય આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તમામને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જયાં કોર્ટે તમામના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
ભાવનગર મેડિકલ કોલેજમાં ત્રણ ઈન્ટર્ન તબીબો સાથે રેગિંગ અને મારામારીના ચકચારી કાંડના આઠ આરોપી મિલન હિંમતભાઈ કાકલોતર (હાલ રહે.કતારગામ, સુરત. મુળ રહે. તરેડ, તા.મહુવા), પિયુષ અભેસંગભાઈ ચૌહાણ (રહે.ચુડા, જી.સુરેન્દ્રનગર), નરેન નાથુભાઈ ચૌધરી (રહે. સેક્ટર-૩૦, ગાંધીનગર. મૂળ રહે.દશેલા, તા.જી.ગાંધીનગર), મન મહેશભાઈ પટેલ (રહે.ઈડર, જી.સાબરકાંઠા), અભિરાજ મહિપતસિંહ પરમાર (રહે.કાળિયાબીડ, ભાવનગર), બળભદ્રસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે.વલ્લભીપુર), જયદીપસિંહ બાપાલાલસિંહ ગોહિલ (રહે.જાળિયા, તા.વલ્લભીપુર) અને હાર્દિક દિલિપભાઈ ધામેચા (રહે.સરદારનગર, ભાવનગર. મુળ રહે.વલ્લભીપુર) ધુળેટીના દિવસે નિલમબાગ પોલીસ સમક્ષ હાજર થયાં હતા. ચકચારી બનાવમાં પોલીસે ગતરોજ આરોપીઓના મેડિકલ તથા એન્ટી રેગિંગ કમિટિ સમક્ષ નિવેદન નોંધવાની કાર્યવાહી પૂર્ણ કર્યાં પછી આજે આઠેય આરોપીઓને ભાવનગર કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે, કોર્ટે તમામ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા.

