Nilesh Sherwadiya Sardar Sena: મોરબીમાં ખેડૂત આંદોલનના બે ફાંટા, નિલેશ શેરવાડિયાએ ‘સરદાર સેના’ની કરી જાહેરાત, સરકારને આપી ખુલ્લી ચીમકી

Arati Parmar
2 Min Read

Nilesh Sherwadiya Sardar Sena: મોરબીના રવાપર ગામે કેપિટલ માર્કેટ પાસે આયોજિત એક કિસાન સંમેલનમાં ખેડૂત આંદોલનના આગેવાન નિલેશ શેરવાડિયાએ પોતાની નવી રણનીતિ જાહેર કરી છે. લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલન બાદ હવે આ આંદોલનના બે ફાંટા પડ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નેહુલ અમૃત્યા અને નિલેશ શેરવાડિયા વચ્ચેના મતભેદો અને તે બાદ સર્જાયેલા વિવાદોના પગલે, નિલેશ શેરવાડિયાએ મંચ પરથી ‘સરદાર સેના’ની રચના કરવાની જાહેરાત કરી છે.

સરકાર સામે આક્રમક તેવર

- Advertisement -

આ કિસાન સંમેલનમાં મોરબી શહેર, તાલુકા અને અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા. નિલેશ શેરવાડિયાએ મંચ પરથી સરકાર સામે લાલ આંખ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાનાશાહી સરકાર છે જે ખેડૂતોનો અવાજ દબાવી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે સરકારી તંત્ર ખાનગી વીજ કંપનીઓના હાથા બનીને ખેડૂતોની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. ખેડૂતોને તેમના પાક કે જમીનનું યોગ્ય વળતર મળતું નથી, તેવા ગંભીર મુદ્દાઓ તેમણે ઉઠાવ્યા હતા.

ગાંધીગીરી નહીં, હવે ‘સરદારગીરી’

- Advertisement -

નિલેશ શેરવાડિયાએ સરકાર અને વીજ કંપનીઓને ખુલ્લી ચીમકી આપતા કહ્યું કે, અત્યાર સુધી આંદોલન ગાંધીગીરીના માર્ગે ચાલતું હતું, પરંતુ હવે જો દાદાગીરી કરીને ખેડૂતોના ખેતરમાં વીજળીના થાંભલા ઊભા કરવામાં આવશે, તો તેનો જવાબ ‘સરદારગીરી’થી આપવામાં આવશે. તેમણે વિવાદિત નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો સરકારી તંત્ર બળજબરીથી થાંભલા નાખશે તો ખેડૂતો તે થાંભલા ઉખાડીને ભંગારના ભાવે વેચી દેશે.

આંદોલનનું નવું સ્વરૂપ

- Advertisement -

‘સરદાર સેના’ વિશે માહિતી આપતા નિલેશ શેરવાડિયાએ જણાવ્યું હતું કે, આ સેનામાં તમામ જ્ઞાતિ, ધર્મ અને સંપ્રદાયના લોકોને સાથે રાખવામાં આવશે. આ માત્ર ખેડૂતોનું સંગઠન નથી, પરંતુ પીડિતો, વંચિતો, મહિલાઓ અને યુવાનોના શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવનારું મંચ બનશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ખેડૂત સમિતિથી અલગ થઈને પોતાની નવી રણનીતિ અને નવા વિચારો સાથે આંદોલનને આગળ ધપાવશે.

આગામી સમયની સ્થિતિ

મોરબીમાં ખેડૂત આંદોલનના બે ભાગ પડતા હવે રાજકીય અને સામાજિક ગલિયારામાં ચર્ચાઓ શરૂ થઈ છે. નિલેશ શેરવાડિયાની આ નવી સેના સરકાર સામે કેટલા અસરકારક સાબિત થાય છે અને તેમને કેટલું જનસમર્થન મળે છે તે જોવું રહ્યું. બીજી તરફ, તેમના દ્વારા આપવામાં આવેલી ખુલ્લી ચીમકી બાદ વહીવટી તંત્ર કેવા પ્રકારનાં પગલાં લે છે તે પણ આગામી સમયમાં સ્પષ્ટ થશે.

Share This Article