Panchmahal Education Department Scam: પંચમહાલ જિલ્લાના શિક્ષણ વિભાગમાંથી સરકારી ગ્રાન્ટની ઉચાપતનું એક મસમોટું કૌભાંડ સામે આવતા સમગ્ર રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઓડિટ પ્રક્રિયા દરમિયાન અંદાજે ૨.૭૯ કરોડ રૂપિયાની નાણાકીય અનિયમિતતાઓ પકડાઈ છે. આ કૌભાંડમાં વિભાગના જ જવાબદાર અધિકારીઓએ ખાનગી એજન્સીઓ સાથે મિલીભગત કરીને સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. શિક્ષણના ઉત્થાન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ અંગત સ્વાર્થ માટે કરવામાં આવતા હવે તંત્ર દ્વારા આ મામલે લાલ આંખ કરવામાં આવી છે.
બોગસ સહી અને નેટ બેંકિંગનો ખેલ
આ આખા ષડયંત્રની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી છે. હિસાબી અધિકારી પૂજન જોશી અને નિતિન પટેલે મુખ્ય સૂત્રધાર બનીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ની નકલી સહીઓ કરી હતી. આ બોગસ સહીઓના આધારે નેટ બેંકિંગ દ્વારા સરકારી ખાતામાંથી નાણાં સીધા ખાનગી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન ખૂબ જ વ્યવસ્થિત રીતે આ આર્થિક હેરાફેરી કરવામાં આવી હતી, જેથી શરૂઆતમાં કોઈને શંકા ન જાય. પરંતુ વાર્ષિક ઓડિટમાં હિસાબો ન મળતા આખું પાપ છાપરે ચઢીને પોકાર્યું છે.
કાગળ પર ખરીદી અને અસલી ઉચાપત
કૌભાંડીઓએ સરકારી નાણાં સેરવવા માટે સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર અને ફાયર સેફ્ટીના સાધનોની ખરીદીનું બહાનું આગળ ધર્યું હતું. રાજકોટ અને ગોધરાની ચાર ખાનગી એજન્સીઓના નામે બોગસ બિલ તૈયાર કરવામાં આવ્યા હતા. હકીકતમાં શાળાઓ માટે કોઈ પણ પ્રકારના સાધનોની ખરીદી કરવામાં આવી નહોતી, માત્ર કાગળ પર ઓર્ડર બતાવીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા. આ રીતે સાધનોના નામે સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવામાં આવ્યો છે, જે શિક્ષણ વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઊભા કરે છે.
કાયદાકીય કાર્યવાહી અને પોલીસ તપાસ
આ ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતા જ સરકારે ત્વરિત પગલાં લીધા છે. ગોધરા શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ૪ ખાનગી એજન્સીઓ સહિત કુલ ૬ શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ અત્યારે આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને બેંક ટ્રાન્ઝેક્શનના ડેટા પણ ખંગાળવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કૌભાંડના મૂળિયાં હજુ પણ ઊંડા હોઈ શકે છે અને તપાસ દરમિયાન અન્ય કેટલાક મોટા અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી શકે છે. ભ્રષ્ટાચારીઓ સામેની આ કાર્યવાહીથી અન્ય વિભાગોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

