Rajkot Summer Heat Wave: રાજકોટમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, પારો ૪૨ ડિગ્રીને પાર

Arati Parmar
2 Min Read

Rajkot Summer Heat Wave: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં રાજકોટ અત્યારે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે, જ્યાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. એપ્રિલ મહિનાના મધ્યમાં જ આટલી પ્રચંડ ગરમી પડતા જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ઉનાળો અગાઉ કરતા વધુ આકરો રહેવાની શક્યતા છે, જેને કારણે બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ સંચારબંધી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

વધતી ગરમી સાથે પાણી અને વીજળીની માંગમાં ઉછાળો

તીવ્ર ગરમીને પરિણામે શહેરોમાં સંસાધનોનો વપરાશ ઝડપથી વધ્યો છે. રાજકોટમાં જળમાંગમાં મોટો વધારો જોવા મળ્યો છે, જે વધીને દૈનિક ૪૪ કરોડ લિટર સુધી પહોંચી ગઈ છે. સામાન્ય રીતે ૪૦.૫ કરોડ લિટરની સામે અત્યારે ૪૧.૫૦ કરોડ લિટર પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પાણીની સાથોસાથ લોકો ગરમીથી બચવા માટે પંખા, એરકંડિશનર અને કુલરનો વધુ ઉપયોગ કરી રહ્યા હોવાથી વીજળીની માંગ પણ રેકોર્ડ સ્તરે પહોંચી છે. વહીવટી તંત્ર માટે આટલી વિશાળ માંગને પહોંચી વળવી એ એક મોટો પડકાર બની રહ્યો છે.

- Advertisement -

રાજ્યના અન્ય શહેરોની સ્થિતિ અને હવામાન વિભાગની આગાહી

માત્ર રાજકોટ જ નહીં, પણ અમદાવાદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ નોંધાયું છે. વડોદરા અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ પારો ૪૦ ડિગ્રીને પાર કરી ગયો છે. ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય બફારાનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૧૮મી એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને કાંઠાળ વિસ્તારોમાં ગરમ હવામાન જારી રહેશે. આ દિવસોમાં પારો ૪૦ ડિગ્રીની નીચે જવાની કોઈ શક્યતા દેખાતી નથી, જેથી લોકોને ગરમીથી રક્ષણ મેળવવા સાવચેત રહેવા જણાવાયું છે.

ફૂંકાતા તેજ પવન અને તોફાની બનતો દરિયો

ગરમીની સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાનું પણ શરૂ થયું છે. ખાસ કરીને કચ્છમાં પવનની ગતિ ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી નોંધાઈ છે, જ્યારે રાજકોટ સહિતના અન્ય વિસ્તારોમાં ૨૦ થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. રાજસ્થાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરે ગુજરાતનો દરિયો પણ તોફાની બન્યો છે. ગરમ પવનોને લીધે લૂ લાગવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે ચિંતાનો વિષય છે.

- Advertisement -
Share This Article