Shinor Thermal Power Station: વડોદરા જિલ્લામાં પ્રથમ વખત મોટું થર્મલ પાવર સ્ટેશન સ્થાપવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે શિનોર તાલુકામાં કોલસા આધારિત વીજ ઉત્પાદન મથક માટે જમીન સંપાદનની પ્રક્રિયાને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અહીંથી કુલ 1600 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાની યોજના છે.
ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા નર્મદા નદીના કિનારે આ પાવર સ્ટેશન બનાવવામાં આવશે. તેમાં 800 મેગાવોટ ક્ષમતાના બે યુનિટ સ્થાપવાનું આયોજન છે. પ્રોજેક્ટ માટે શિનોર તાલુકાનાં સુરાશામળ, મિંઢોળ અને માંજરોલ ગામોની આશરે 425 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે.
જમીન સંપાદન દરમિયાન અસરગ્રસ્ત ખેડૂતો અને જમીનમાલિકોને યોગ્ય વળતર આપવા ઉપરાંત પુનર્વસન અને પુનઃસ્થાપનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. વર્ષ 2013ના જમીન સંપાદન કાયદા હેઠળ આ વિસ્તારને સામાજિક અસર મૂલ્યાંકન (SIA)માંથી મુક્તિ આપવામાં આવી હતી.
કોલસા અને પાણીની સરળ ઉપલબ્ધતા
શિનોરમાં પાવર સ્ટેશન સ્થાપવા માટે નર્મદા નદીનું પાણી અને નજીકમાં કોલસાની ઉપલબ્ધતા મુખ્ય કારણ માનવામાં આવે છે. નદીમાંથી પાણી મળી શકશે, જ્યારે સામેના કિનારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં આવેલી લિગ્નાઇટ કોલસાની ખાણને કારણે ઇંધણ મેળવવામાં સરળતા રહેશે.
ચાર દાયકાની રાહ બાદ પ્રોજેક્ટ આગળ વધશે
શિનોરમાં થર્મલ પાવર સ્ટેશન બનાવવાની ચર્ચા છેલ્લા ચાર દાયકાથી ચાલી રહી હતી. વર્ષ 2018માં પણ જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત થઈ હતી, પરંતુ કોઈ કારણોસર પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહોતો. અગાઉ બે વર્ષમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી, જોકે હવે લાંબા સમય બાદ નવેસરથી કામગીરી શરૂ થતાં પ્રોજેક્ટ સાકાર થવાની આશા વધી છે.

