કચ્છમાં ડૂબવાથી છનાં મોત, મંગળ પર્વે અમંગળ ઘટના

Reena Brahmbhatt
4 Min Read

ગેડી પાસે ગોઝારી કેનાલમાં ચાર જણે જીવ ગુમાવ્યો : ગાંધીધામ, તા.5 : રાપર તાલુકાના ગેડી શક્તિનગર નજીક નર્મદા કેનાલમાં ડૂબી રહેલાં બાળકને બચાવવા કેનાલમાં ઝંપલાવતા રાજસ્થાન અલવરના શેરસિંહ બાબુ જોગી (મુસ્લિમ) (ઉ.વ.40), અનુજહાં કલ્લુખાન જોગી (મુસ્લિમ) (ઉ.વ.18), શબ્બિર કલ્લુખાન જોગી (ઉ.વ.20) તથા શબાના મૌસમ જોગી (ઉ.વ.28)ના મોત થયાં હતાં. એકીસાથે ચાર લોકોના મોતને પગલે ભારે ગમગીની પ્રસરી હતી. જે બાળકને બચાવવા સાત લોકો પડયા હતા તે પૈકી બાળક તથા અન્ય ત્રણ જેમ-તેમ કરીને બહાર આવી ગયા હતા જ્યારે ચારના જીવ ગયા હતા. ગેડી શક્તિનગર નજીક આવેલી નર્મદા કેનાલમાં ગઈકાલે બપોરેના અરસામાં આ કરૂણ બનાવ બન્યો હતો.

વાગડ પંથકમાં રાજસ્થાનથી દરવર્ષે શ્રમીકો કપાસની ખેતીમાં કામ કરવા આવતા હોય છે, ત્યારે અલવરનો આ પરિવાર પણ અહીં ખેત મજુરી કરવા આવ્યો હતો. ગઈકાલે ખેતરોમાં કામગીરી ચાલી રહી હતી ત્યારે પાંચ-છ વર્ષના બાળકની ચંપલ કેનાલમાં પડી જતાં આ બાળક તે લેવા ગયું હતું, જેમાં આ બાળક ડૂબવા લાગતાં રાડા-રાડ થઈ પડી હતી. જોત-જોતામાં કામગીરી કરતા લોકો ત્યાં દોડી આવ્યા હતા. અને શેરસિંહ, અનુજહાં, શબ્બિર, શબાના સહિત અન્ય ત્રણ એમ સાતેક લોકો કેનાલમાં બાળકને બચાવવા ઊતર્યા હતા. જેમાં કિનારે લીલના કારણે આ ચાર લોકોના પગ લપસતાં ચારેય ધસમસતા પાણીના પ્રવાહમાં ગરકાવ થયાં હતાં. જ્યારે ત્રણ અન્ય લોકો અને જે બાળક ડૂબી રહ્યું હતું તે જેમ-તેમ કરીને બહાર આવી ગયા હતા જ્યારે આ ચાર લોકો બહાર આવી શક્યા નહોતા. શરૂઆતમાં બે લોકોની લાશ બહાર કાઢવામાં આવી હતી જ્યારે ત્રીજી વ્યક્તિની લાશ મોડેકથી કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી.

- Advertisement -

શબાનાની લાશ ન મળતાં નર્મદા કેનાલનું પાણી બંધ કરાવાયું હતું. અને આજે સવારે ફરીથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન નંદાસર બાજુથી શબાનાની લાશ આજે સવારે 11 વાગ્યાના અરસામાં મળી આવી હતી. બનાવના પગલે ગઈકાલથી રાપર પોલીસે દોડધામ આદરી હતી. સપરમા દિવસોએ એકીસાથે ચાર લોકોના મોતના પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભચાઉ અને રાપર પાસે અગાઉ પણ કેનાલમાં અનેક જીંદગીઓ ડુબી ગઈ છે. – માંડવીના દરિયામાં નવાં વર્ષે અંજારના પિતા-પુત્ર ડૂબતાં અરેરાટી : માંડવી, તા. 5 : વિક્રમ સંવત 2081ના નવાં વર્ષે માંડવીના વિન્ડફાર્મ બીચમાં નાહવા પડેલા અંજારના પિતા-પુત્ર એવા 40 વર્ષીય કિશનભાઇ ગાંગજી મહેશ્વરી અને 13 વર્ષીય ડેનિસનું ડૂબી જવાથી મોત નીપજતાં અરેરાટી વ્યાપી હતી.

અંજારમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા કિશનભાઇ તથા તેના પુત્ર ડેનિસ કુટુંબીજનો સાથે પ્રથમ ભુજ તાલુકાના નારાણપર ગામે ગયા હતા, ત્યાંથી માંડવી વિન્ડફાર્મ બીચ પર આવી નાહવા પડતાં તે ડૂબી ગયાનો બનાવ બન્યો હતો. આ સમયે કિશનભાઇની પત્ની તથા એક દીકરો અને એક દીકરી પણ બીચ ઉપર જ હતા અને બનાવને લઇ?શોકમાં ગરકાવ થઇ?ગયા હતા. આ બનાવની જાણ થતાં નગરપતિ હરેશભાઇ વિંઝોડા, માંડવી મહેશ્વરી સમાજના પ્રમુખ હરેશભાઇ?ફુફલ, નગર સેવા સદનના મનજીભાઇ?પરમાર, ભૂપેન્દ્ર સલાટ, અંજાર મહેશ્વરી સમાજના તથા માંડવીના લોકો હોસ્પિટલે દોડી આવ્યા હતા. આ સમયે માંડવી પોલીસ, મરિન પોલીસ તેમજ નગર સેવા સદનની ટીમ બીચ ઉપર પહોંચી આવી હતી. માંડવી તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ જગદીશભાઇ થારૂએ તંત્રને લેખિત આવેદન આપી રજૂઆત કરતાં જણાવ્યું કે, માંડવી બીચ પર દરિયામાં ડૂબી જવાના બનાવો વારંવાર બનતાં હોવા છતાં આ મામલે તંત્ર દ્વારા કોઇ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી નથી. સહેલાણીઓની સલામતી માટે લાઇફ ગાર્ડ, તરવૈયાઓ અને પોલીસ કર્મચારીઓની પૂરતી સંખ્યામાં ગોઠવણ કરવાની જરૂર છે. આ ઉપરાંત દરિયામાં ડૂબી જવાની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્યવાહી માટે જરૂરી સાધનો પણ ઉપલબ્ધ કરાવવા જોઇએ.

- Advertisement -
Share This Article