Soil Organic Carbon Research: જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ, સૌરાષ્ટ્રની જમીનમાં કાર્બનનું સ્તર ઘટતા ચિંતા

Arati Parmar
2 Min Read

Soil Organic Carbon Research: સૌરાષ્ટ્રના 10 જિલ્લાઓમાં ખેતીલાયક જમીનની ફળદ્રુપતા માપવા માટે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક વ્યાપક સંશોધનમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કુલ 75 તાલુકાઓમાંથી પસંદ કરાયેલા 1,875 ખેતીલાયક જમીનના નમૂનાઓના પરીક્ષણ બાદ જાણવા મળ્યું છે કે, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના અતિશય વપરાશને કારણે જમીનમાં સોઈલ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ સરેરાશ માત્ર 0.57 ટકા જેટલું જ રહ્યું છે. નિષ્ણાતોના મતે આ આંકડો અત્યંત ચિંતાજનક છે. અમરેલી, ભાવનગર, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં તો આ પ્રમાણ 0.50 ટકાથી પણ નીચે જોવા મળ્યું છે, જે જમીનના સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટડી સમાન છે.

પ્રાકૃતિક ખેતી: જમીન માટે જીવનદાયી સાબિત

યુનિવર્સિટીના સંશોધનમાં રાસાયણિક ખેતી અને પ્રાકૃતિક ખેતી થતી જમીન વચ્ચેનો મોટો તફાવત સ્પષ્ટ થયો છે. જ્યાં રાસાયણિક ખાતરવાળી જમીનમાં ઓર્ગેનિક કાર્બન માત્ર 0.45 ટકા નોંધાયો છે, ત્યાં જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની જમીનમાં આ પ્રમાણ 0.62 ટકા જોવા મળ્યું છે. વિશેષ કરીને જે ખેડૂતો પાંચ વર્ષથી વધુ સમયથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, તેમની જમીનમાં કાર્બનનું પ્રમાણ 0.93 ટકાથી પણ વધુ જોવા મળ્યું છે. આ જમીનો વધુ પોચી અને ભરભરી છે, જે જમીનમાં ભેજ અને પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરે છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીની જમીનમાં પાણી ઉતારવાનો દર પણ નોંધપાત્ર રીતે વધારે જોવા મળ્યો છે.

- Advertisement -

ખેડૂતો માટે કાર્બન ક્રેડિટની સુવર્ણ તક

આ સંશોધનનો સૌથી આશાસ્પદ પાસું ખેડૂતોને મળતી ‘કાર્બન ક્રેડિટ’ની તક છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ફળદ્રુપતા વધવાની સાથે ખેડૂતો આર્થિક રીતે પણ સક્ષમ બની શકે છે. એક હેક્ટરે ખેડૂતો 4 થી 8 ટન સુધીની કાર્બન ક્રેડિટ મેળવી શકે છે, જે આવનારા સમયમાં કૃષિ ઉત્પાદન ઉપરાંત વધારાની આવકનો સ્ત્રોત બની શકે છે. જંતુનાશક દવાઓનો ત્યાગ કરવાથી, પ્રાકૃતિક ઇનપુટ વાપરવાથી અને પાકના અવશેષોને જમીનમાં દબાવવાથી આ કાર્બન ક્રેડિટ મેળવી શકાય છે. ખેતીમાં કાર્બનનું પ્રમાણ વધારવું એ માત્ર જમીન બચાવવા માટે જ નહીં, પરંતુ ખેડૂતોના આર્થિક ભવિષ્ય અને પર્યાવરણના રક્ષણ માટે પણ અત્યંત અનિવાર્ય છે.

Share This Article