Surat Fake Ghee Factory Raid 2026: સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ ‘ઓપરેશન શુદ્ધિ’ અંતર્ગત સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક મોટા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે જીઈબી સબ સ્ટેશન પાસે આવેલી ‘સબકા ફૂડ’ નામની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં ‘વિદુર ગાયનું ઘી’ અને ‘શુદ્ધ ઘી’ ના નામે સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવું કેમિકલયુક્ત ઘી બનાવવામાં આવતું હતું. પોલીસે સ્થળ પરથી બે ભાગીદારોની ધરપકડ કરી છે અને લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
માત્ર ૧ કિલો અસલ ઘીમાંથી ૧૫ કિલો નકલી ઘી બનાવવાની કરામત
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે આ શખ્સો માત્ર એક કિલોગ્રામ શુદ્ધ ઘીમાં પામોલિન તેલ, વનસ્પતિ ઘી, કેમિકલ અને કલર ભેળવીને અંદાજે ૧૫ કિલોગ્રામ નકલી ઘી તૈયાર કરતા હતા. આ મિશ્રણને ગ્રાહકો ઓળખી ન શકે તે માટે તેમાં અસલ ઘી જેવી સુગંધ અને રંગ લાવવા ખાસ કેમિકલ્સ ઉમેરવામાં આવતા હતા. નકલી ઘી તૈયાર થયા બાદ તેને ૧૦૦ એમ.એલ. થી લઈને ૧૫ કિલોના ડબ્બામાં પેક કરી ગુજરાત અને અન્ય રાજ્યોના બજારોમાં વેચવામાં આવતું હતું.
કેમિકલ ભેળવવા માટે ડોક્ટરની સિરીંજનો ઉપયોગ
નકલી ઘી બનાવવાની પદ્ધતિ પણ ખૂબ જ વિચિત્ર અને ઘાતકી હતી. આરોપીઓ શુદ્ધ ઘી અને તેલના ગરમ મિશ્રણમાં ચોક્કસ માત્રામાં કેમિકલ ઉમેરવા માટે ડોક્ટરની જેમ સિરીંજનો ઉપયોગ કરતા હતા. આ પ્રક્રિયા એટલી ચોકસાઈથી કરવામાં આવતી હતી કે સામાન્ય ગ્રાહક જોઈને કે સુંઘીને નકલી ઘીને પારખી ન શકે. ફેક્ટરીની સાથે તલંગપુર વિસ્તારમાં આવેલા તેમના ગોડાઉન પર પણ પોલીસે દરોડા પાડીને મોટા પાયે રો-મટિરિયલ અને મશીનરી કબજે કરી છે.
લાખોનો મુદ્દામાલ જપ્ત અને કાયદેસરની કાર્યવાહી
આ દરોડા દરમિયાન પોલીસે અંદાજે ૨૦૨૯ કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું છે, જેની કિંમત ૧૪.૧૯ લાખ રૂપિયા થાય છે. આ ઉપરાંત ફેક્ટરીમાંથી ૨ લાખ રોકડા અને ૨૧.૬૧ લાખની કિંમતી મશીનરી મળી કુલ ૩૬.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓ ભરત પોલરા અને અમીન વઢવાણિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા અસામાજિક તત્વો સામેની આ કાર્યવાહીથી નકલી ખાદ્ય પદાર્થો બનાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

