Surendranagar Illegal Mining Crackdown: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને ચોટીલા પંથકમાં વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ખનીજ ચોરીના કાળા કારોબાર પર વહીવટી તંત્રએ અત્યાર સુધીની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. રાજ્ય સરકાર દ્વારા ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર તરીકે હરેશ મકવાણાની નિમણૂક કરાયા બાદ, તેમના એક વર્ષના કાર્યકાળનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ, તંત્રએ ખનીજ માફિયાઓના આખા સામ્રાજ્યને ધ્વસ્ત કરી નાખ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં ૧૦૦ ટકા ગેરકાયદે ખનીજ ચોરી અટકાવી દેવામાં આવી છે.
- એક વર્ષમાં ૨૨૦૦ ખાણો બંધ કરાઈ અને ૧ હજાર કરોડની ચોરી પકડાઈ
- ૨૦,૦૦૦થી વધુ મજૂરોનું રેસ્ક્યુ, મોતના કુવાઓમાંથી મળ્યો છુટકારો
- માફિયાઓ પર લેન્ડ ગ્રેબિંગ અને ૨૦૦ ગુનેગારોને તડીપાર કરવાની તૈયારી
- માફિયાઓના ૫૦૦થી વધુ ગેરકાયદે ફાર્મ હાઉસ અને હોટલો પર બુલડોઝર ફર્યા
- કાળો કારોબાર ફરી શરૂ ન થાય તે માટે ૪૨ સંવેદનશીલ સ્પોટ પર ૨૪ કલાક પેટ્રોલિંગ
એક વર્ષમાં ૨૨૦૦ ખાણો બંધ કરાઈ અને ૧ હજાર કરોડની ચોરી પકડાઈ
ડેપ્યુટી કલેક્ટરની આગેવાની હેઠળની ટીમોએ છેલ્લા એક વર્ષમાં થાનગઢ અને મૂળી પંથકમાં રાત-દિવસ એક કરીને ધાંધલધૂંધ દરોડા પાડ્યા છે. આ સમયગાળા દરમિયાન અંદાજે ૨૨૦૦ જેટલી ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસો) ની ખાણો અને કુવાઓ શોધી કાઢીને તેને કાયમી ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યા છે. ખનીજ ચોરીનું મુખ્ય કેન્દ્ર ગણાતા થાનગઢના જામવાડી, ખાખરાથળ, ભાડુલા અને ભેટ ગામોમાંથી જ માત્ર ૧૧૦૦ જેટલા ગેરકાયદે કુવાઓ સીલ કરી દેવાયા છે. વહીવટી તંત્રના અંદાજ મુજબ, આ ઓપરેશન દરમિયાન ૧ હજાર કરોડ રૂપિયાથી વધુની મહાકાય ખનીજ ચોરી ઝડપી પાડીને વાહનો અને મશીનરી જપ્ત કરાયા છે.
૨૦,૦૦૦થી વધુ મજૂરોનું રેસ્ક્યુ, મોતના કુવાઓમાંથી મળ્યો છુટકારો
ખનિજ માફિયાઓએ સરકારી અને ગૌચરની જમીનોને મોતનું કબ્રસ્તાન બનાવી દીધું હતું. માફિયાઓ ગરીબ મજૂરોને સુરક્ષાના કોઈપણ સાધનો વગર ૨૦૦ ફૂટ ઊંડા જોખમી કુવાઓમાં ઉતારીને કાળી મજૂરી કરાવતા હતા, જેના કારણે દર વર્ષે અંદાજે ૨૦૦થી વધુ મજૂરોના અકસ્માતોમાં કમકમાટીભર્યા મોત નીપજતા હતા. આ મામલે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સુધી રજૂઆતો થઈ હતી. તંત્રએ માનવતાવાદી અભિગમ અપનાવીને ખાણોમાં જીવના જોખમે કામ કરતા ૨૦,૦૦૦થી વધુ પરપ્રાંતીય અને સ્થાનિક મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી (રેસ્ક્યુ કરીને) તેમના વતન પરત મોકલ્યા છે. પરિણામે, છેલ્લા એક વર્ષમાં આ ખાણોમાં એક પણ મજૂરનું મોત થયું નથી.
માફિયાઓ પર લેન્ડ ગ્રેબિંગ અને ૨૦૦ ગુનેગારોને તડીપાર કરવાની તૈયારી
તંત્ર હવે માત્ર ખાણો બંધ કરીને અટક્યું નથી, પરંતુ ખનીજ માફિયાઓ પર કાયદાકીય ગાળિયો મજબૂત કરી રહ્યું છે. સરકારી જમીનો પચાવી પાડીને ઉત્ખનન કરનારા તત્વો સામે કડક ‘લેન્ડ ગ્રેબિંગ એક્ટ’ હેઠળ ગુના નોંધવામાં આવી રહ્યા છે. જે ખાનગી ખેડૂતોની જમીન પર ગેરકાયદેસર ખોદકામનું નેટવર્ક ચાલતું હતું, તે ખેડૂતોની જમીનો પણ સરકાર હસ્તક (શ્રી સરકાર) કરવાની કાનૂની તજવીજ શરૂ કરાઈ છે. આ ઉપરાંત, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અંદાજે ૨૦૦થી વધુ રીઢા ખનીજ માફિયાઓને જિલ્લામાંથી તડીપાર (બદતરીફ) કરવા માટેની સત્તાવાર દરખાસ્ત તૈયાર કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
માફિયાઓના ૫૦૦થી વધુ ગેરકાયદે ફાર્મ હાઉસ અને હોટલો પર બુલડોઝર ફર્યા
ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ જણાવ્યું કે ખનીજ ચોરીના કાળા નાણાંમાંથી માફિયાઓએ ઉભા કરેલા સામ્રાજ્ય પર પણ આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ સપાટો બોલાવીને માફિયાઓના અંદાજિત ૫૦૦થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા છે, જેમાં સરકારી જમીનો પર બનેલી હોટલો, દુકાનો અને વૈભવી ફાર્મ હાઉસનો સમાવેશ થાય છે. આ તમામ દબાણો પર બુલડોઝર ફેરવીને જમીન ખાલી કરાવી દેવામાં આવી છે. આ ઓપરેશનથી મોટા ગજાના ખનીજ ચોરોની આર્થિક કમર તૂટી ગઈ છે.
કાળો કારોબાર ફરી શરૂ ન થાય તે માટે ૪૨ સંવેદનશીલ સ્પોટ પર ૨૪ કલાક પેટ્રોલિંગ
ભૂતકાળમાં પોલીસ કે તંત્રની ટીમ જાય એટલે થોડા દિવસ કામ બંધ થઈ જતું અને ફરી શરૂ થઈ જતું હતું, પરંતુ આ વખતે તંત્રએ પાકો બંદોબસ્ત કર્યો છે. ડેપ્યુટી કલેક્ટરે જણાવ્યું છે કે ભવિષ્યમાં પણ આ કાળો કારોબાર કોઈ કાળે ફરી શરૂ ન થાય તે માટે મામલતદાર, ક્લાર્ક અને તલાટીઓની અલગ-અલગ ફ્લાઈંગ સ્ક્વોડ (ટીમો) બનાવવામાં આવી છે. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી સંવેદનશીલ ગણાતા ૪૨ ખનીજ ચોરીના સ્પોટ નક્કી કરીને ત્યાં ૨૪ કલાક સરકારી ટીમો દ્વારા પેટ્રોલિંગ અને વોચ ગોઠવી દેવામાં આવી છે, જેથી માફિયાઓ ફરી માથું ઊંચકી ન શકે.

