OCD Brain Health Awareness: ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર (OCD) વિશે હજુ પણ ઘણા લોકોની એવી ધારણા છે કે જે લોકોને બહુ વધારે સાફ-સફાઈ અથવા વસ્તુઓને વ્યવસ્થિત રાખવાની કે દરેક કામમાં પરફેક્શનની આદત હોય છે તેમને ઓસીડી હોવાની શક્યતા રહે છે. પરંતુ આ એક ખોટી ધારણા છે.
ઓસીડી બ્રેઈન હેલ્થને કેવી રીતે પ્રભાવિત કરે છે?
ઓસીડી મગજના કેટલાક ભાગોની કામ કરવાની રીતમાં ફેરફાર સાથે જોડાયેલ છે. ઓસીડીથી પીડાતા લોકોમાં ફ્રન્ટલ લોબ અને બેસલ ગેન્ગ્લિયા જેવા એરિયા વધુ સક્રિય હોય છે. મગજના આ ભાગો નિર્ણય લેવા, લાગણીઓને નિયંત્રિત કરવા અને આદતો બનાવવા માટે જવાબદાર હોય છે. ઓસીડીથી પીડાતા લોકોનું મગજ વારંવાર એવા સિગ્નલ મોકલે છે કે કંઈક ગડબડ છે, પરંતુ હકીકતમાં બધું ઠીક હોય છે. આ એક ઇન્ટરનલ એલાર્મ સિસ્ટમ જેવું છે જે બિનજરૂરી રીતે વાગતું રહે છે. આનાથી વ્યક્તિ સામાન્ય પરિસ્થિતિઓમાં પણ પોતાને અસુરક્ષિત કે અસહજ અનુભવે છે.
ઓસીડીનું બ્રેઈન હેલ્થને પ્રભાવિત કરવાનું અન્ય એક મહત્વનું કારણ સેરોટોનિન કેમિકલ છે, જે વ્યક્તિના મનોદશા અને વિચારને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઓસીડીથી પીડાતી વ્યક્તિમાં સેરોટોનિનના લેવલમાં અસંતુલન હોઈ શકે છે. આ અસંતુલનથી ઓસીડીના લક્ષણો વધુ બગડી શકે છે. આવી સ્થિતિમાં જેટલી જલ્દી સારવાર શરૂ કરવામાં આવે તેટલી જલ્દી દર્દીની મનોદશાને કંટ્રોલ કરી શકાય છે.
ઓસીડીને કેવી રીતે ઓળખવા?
સામાન્ય રીતે ઓસીડીનું ચક્ર બે ભાગમાં કામ કરે છે- સનક અને બાધ્યતા. ઓસીડીથી પીડાતી વ્યક્તિના મનમાં અચાનક કોઈ કામ કરવાની સનક જાગે છે અને તે તે કાર્ય પ્રત્યે પોતાને બાધ્ય સમજીને તેને કરવા માટે બેચેન થઈ જાય છે. ઉદાહરણ તરીકે- કોઈ વ્યક્તિને સતત એવી ચિંતા રહે છે કે કીટાણુ તેના ઘર-પરિવારને નુકસાન પહોંચાડી શકે છે તેથી તે દિવસમાં ઘણી વાર ઘરની સફાઈ કરતો રહે છે.
વારંવાર હાથ ધોવા, ઘરની બહાર નીકળતી વખતે વારંવાર એ ચેક કરવું કે દરવાજાનું તાળું બરાબર લાગ્યું છે કે નહીં, કોઈ વસ્તુને વારંવાર તપાસવી કે ગણવી અથવા શબ્દોને મનમાં ને મનમાં દોહરાવવા એ પણ ઓસીડીનો સંકેત હોઈ શકે છે. ઓસીડીથી પીડાતી વ્યક્તિ થોડા સમય માટે ભલે શાંત બેસી જાય, પરંતુ તેમની ચિંતા અને બેચેની વારંવાર પાછી આવે છે, જેનાથી એક જ ક્રિયાને વારંવાર દોહરાવવાનું ચક્ર ફરી શરૂ થઈ જાય છે. સમય જતાં વ્યક્તિનું વર્તન જટિલ થતું જાય છે અને તેને કંટ્રોલ કરવું મુશ્કેલ બની શકે છે.
ઓસીડીના શું લક્ષણો છે?
ઓસીડીની અસર દરેક વ્યક્તિ પર એકસરખી હોતી નથી તેથી દરેકના લક્ષણો અલગ દેખાય છે. એવામાં દર્દીની સ્થિતિ મુજબ તેનો ઉપચાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ઓસીડીના આ લક્ષણો જોવા મળે છે:
દરેક વસ્તુ વ્યવસ્થિત રાખવાની સનક.
કીટાણુઓના ડરથી વારંવાર સફાઈ કરવી.
પરિવારની સુરક્ષા અથવા કંઈક ખોટું થવાના વિચારો આવવા.
બહાર જતી વખતે વારંવાર દરવાજાનું લોક ચેક કરવું.
અનહોનીના ડરથી સ્વિચ બોર્ડ કે હોમ એપ્લાયન્સ સતત ચેક કરવા.
ઓસીડી કયા લોકોને થાય છે?
ઓસીડી સ્ત્રી-પુરુષ બંનેને થાય છે અને તે કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. પરંતુ દરેક વ્યક્તિમાં તેના લક્ષણો અલગ હોઈ શકે છે:
પુરુષોમાં ઓસીડીના લક્ષણો: પુરુષોમાં અવારનવાર નાની ઉંમરે જ ઓસીડીના લક્ષણો વિકસિત થઈ જાય છે. પુરુષોમાં સામાન્ય રીતે આ લક્ષણો હોઈ શકે છે- એક કામને વારંવાર કરવું અથવા કોઈ કામ ત્યાં સુધી કરવું જ્યાં સુધી તેમને સંતોષ ન મળે.
મહિલાઓમાં ઓસીડીના લક્ષણો: મહિલાઓમાં ઘરની સફાઈ કે ઇન્ફેક્શનનો ડર વધુ જોવા મળે છે. તેમને એ વાતની ચિંતા રહે છે કે ગંદકી કે કીટાણુઓને કારણે તેમની કે પરિવારની તબિયતને નુકસાન ન થઈ જાય. કેટલાક કિસ્સાઓમાં મહિલાઓમાં પીરિયડ્સ, પ્રેગ્નન્સી અને પ્રેગ્નન્સી પછી હોર્મોનલ ફેરફારો દરમિયાન તેમના વર્તનમાં ફેરફાર જોવા મળી શકે છે.
વધતી ઉંમરમાં ઓસીડીના લક્ષણો: ઉંમરની પણ ઓસીડી પર અસર પડે છે. કેટલાક લોકો ઉંમર વધવાની સાથે ઓસીડીના લક્ષણોને મેનેજ કરવાનું શીખી જાય છે, ખાસ કરીને એ લોકો જે ઓસીડીની સારવાર કરાવે છે. જો સારવાર ન કરવામાં આવે તો આ રોગ ઘડપણ સુધી પીછો છોડતો નથી. ઉંમર વધવા પર યાદશક્તિ નબળી પડવા લાગે છે, એવામાં ઓસીડીની સમસ્યા ભ્રમિત કરી શકે છે. ઉદાહરણ તરીકે- એક કામને વારંવાર કરવું એ યાદશક્તિની નબળાઈ સમજી શકાય છે, જ્યારે તે ઓસીડીના સંકેત પણ હોઈ શકે છે.
ઓસીડીને કંટ્રોલ કરવું શક્ય છે
ઓસીડીને કંટ્રોલ કરવા માટે આ રોગ પ્રત્યે જાગૃતિ અને રોગને ઓળખવાની જરૂર છે. ઓસીડીને સંપૂર્ણપણે અટકાવી શકાતો નથી, પરંતુ રોગની જલ્દી ઓળખ અને સારવારથી તેની અસરોને ઘણા અંશે ઘટાડી શકાય છે. ઓસીડીની સૌથી અસરકારક સારવારમાંની એક કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (CBT) છે, જે વિશેષ રૂપે એક્સપોઝર એન્ડ રિસ્પોન્સ પ્રિવેન્શન (ERP) પદ્ધતિ છે.
આ થેરાપીમાં વ્યક્તિને ધીમે-ધીમે એવી પરિસ્થિતિઓના સંપર્કમાં લાવવામાં આવે છે જે તેની ચિંતા અને બેચેની વધારે છે. આનાથી વ્યક્તિને પોતાની ચિંતા, બેચેની અને ઓસીડીના ચક્રને તોડવામાં મદદ મળે છે. થેરાપી અને દવાઓ સિવાય હેલ્ધી લાઈફસ્ટાઈલ, પૂરતી ઊંઘ, રેગ્યુલર વર્કઆઉટ અને તણાવને કંટ્રોલ કરવા માટે મેડિટેશન અને બ્રીધિંગ એક્સરસાઈઝ પણ જરૂરી છે. આ સાથે જ પરિવારનો સપોર્ટ દર્દીને જલ્દી ઠીક થવામાં મદદ કરી શકે છે.

