Typhoid Symptoms: ચોમાસામાં વધી રહ્યા છે ટાઇફોઇડના કેસ, લક્ષણોથી લઈને બચાવ સુધી જાણો સંપૂર્ણ માહિતી

Arati Parmar
4 Min Read

Typhoid Symptoms: વરસાદની ઋતુમાં ટાઇફોઇડના કેસ ઝડપથી વધવા લાગે છે. આ એવી બીમારી છે, જેને લોકો ઘણીવાર સામાન્ય તાવ સમજીને અવગણે છે, પરંતુ સમયસર સારવાર ન મળે તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તાજેતરમાં કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અને અધ્યક્ષ અભિજીત દીપકેએ સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કરીને જણાવ્યું કે તેમને ટાઇફોઇડ થયો છે અને તેમની સારવાર ચાલી રહી છે.

તેમણે જણાવ્યું કે તેમની બ્લડ રિપોર્ટમાં ટાઇફોઇડની પુષ્ટિ થઈ છે અને તેમને દરરોજ સવારે અને સાંજે IV (ઇન્ટ્રાવેનસ) દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે ટાઇફોઇડ કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો શું છે અને ક્યારે આ બીમારી ખતરનાક બની જાય છે.

- Advertisement -

ટાઇફોઇડ શું છે અને કેવી રીતે ફેલાય છે?

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, ટાઇફોઇડ એક ગંભીર બેક્ટેરિયલ ચેપ છે, જે સાલ્મોનેલા ટાઇફી (Salmonella Typhi) બેક્ટેરિયાના કારણે થાય છે. આ બેક્ટેરિયા દૂષિત ખોરાક અને અશુદ્ધ પાણી પીવાથી શરીરમાં પ્રવેશે છે. શરીરમાં પ્રવેશ કર્યા બાદ તે ઝડપથી લોહીમાં ફેલાવા લાગે છે અને ચેપ વધારે છે. દર વર્ષે વિશ્વભરમાં અંદાજે 1.1 કરોડથી 2.1 કરોડ લોકો ટાઇફોઇડથી સંક્રમિત થાય છે અને આશરે 2 લાખ લોકોનું આ બીમારીના કારણે મૃત્યુ થાય છે. જ્યારે પેરાટાઇફોઇડના પણ દર વર્ષે અંદાજે 50 લાખ કેસ સામે આવે છે, જેમાં મોટો હિસ્સો દક્ષિણ એશિયાનો હોય છે.

- Advertisement -

ટાઇફોઇડના લક્ષણો શું છે?

ટાઇફોઇડના પ્રારંભિક લક્ષણો સામાન્ય રીતે બેક્ટેરિયાના સંપર્કમાં આવ્યા પછી 10થી 14 દિવસમાં દેખાવા લાગે છે. આ બીમારીમાં દર્દીને ધીમે-ધીમે ઊંચો તાવ આવવા લાગે છે. ઉપરાંત માથાનો દુખાવો, થાક, નબળાઈ, પેટમાં દુખાવો, ઉબકા, ઊલટી, ભૂખ ઓછી લાગવી, કબજિયાત અથવા ઝાડા, સ્નાયુઓમાં દુખાવો અને શરીર પર ચકામા પણ થઈ શકે છે. જો સારવાર ન કરાવવામાં આવે તો આ બીમારી 3થી 4 અઠવાડિયા અથવા તેથી વધુ સમય સુધી રહી શકે છે.

- Advertisement -

આ બીમારી ક્યારે ખતરનાક બની જાય છે?

જો સમયસર સારવાર ન મળે તો ટાઇફોઇડ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, બીમારીના અલગ-અલગ તબક્કામાં દર્દીને ઊંચો તાવ, પેટ ફૂલવું, ઝડપથી વજન ઘટવું, ડિહાઇડ્રેશન, ડિલીરિયમ, આંતરડામાં ગંભીર ઇજા, આંતરિક રક્તસ્રાવ, મગજમાં સોજો, કિડની નિષ્ફળતા, ન્યુમોનિયા, પેન્ક્રિયાસમાં સોજો અને મેનિન્જાઇટિસ જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તેથી સતત ઊંચો તાવ અથવા અન્ય ગંભીર લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

ટાઇફોઇડમાં IV શા માટે આપવામાં આવે છે?

ટાઇફોઇડના ગંભીર કેસોમાં દર્દીના શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે. આવી સ્થિતિમાં IV દ્વારા શરીરમાં પ્રવાહી અને જરૂરી દવાઓ આપવામાં આવે છે. IV દ્વારા દવાઓ સીધી બ્લડ સ્ટ્રીમમાં પહોંચે છે, તેથી તેની અસર ઝડપથી થાય છે. આ કારણસર ઘણા દર્દીઓની સારવારમાં IV થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે.

ટાઇફોઇડની ઓળખ કેવી રીતે કરવામાં આવે છે?

જો કોઈ વ્યક્તિમાં ટાઇફોઇડ જેવા લક્ષણો જોવા મળે તો ડૉક્ટર તપાસ કરવાની સલાહ આપે છે. તેના માટે બ્લડ ટેસ્ટ, બ્લડ કલ્ચર, સ્ટૂલ અને યુરિન ટેસ્ટ, વિડાલ ટેસ્ટ અને ટાઇફી ડોટ ટેસ્ટ જેવા પરીક્ષણો કરવામાં આવી શકે છે. કેટલાક ગંભીર કેસોમાં, જ્યારે એન્ટિબાયોટિક દવાઓ બાદ પણ સુધારો થતો નથી, ત્યારે બોન મેરો કલ્ચર કરાવવાની સલાહ પણ આપવામાં આવી શકે છે.

ટાઇફોઇડથી બચાવ કેવી રીતે કરવો?

ટાઇફોઇડથી બચવા માટે સ્વચ્છ અને સુરક્ષિત પાણી પીવું, તાજો અને સારી રીતે રાંધેલો ખોરાક ખાવો, ખાવા અને બનાવતા પહેલાં સાબુથી હાથ ધોવા, રસ્તા કિનારે ખુલ્લામાં મળતો ખોરાક ખાવાથી બચવું અને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવી જરૂરી છે. જ્યાં ટાઇફોઇડના કેસ વધુ જોવા મળે છે, ત્યાં જતાં પહેલાં ડૉક્ટરની સલાહ મુજબ ટાઇફોઇડની વેક્સિન પણ લેવડાવી શકાય છે.

Share This Article