Unmarried Adults High Cancer Risk: કેન્સરના કારણો અને જોખમ વધારનારા પરિબળોને જાણવા માટે સતત સંશોધનો થતા રહે છે. હવે કેન્સર રિસર્ચ કોમ્યુનિકેશન પર પ્રકાશિત સિલ્વેસ્ટર કોમ્પ્રેહેન્સિવ કેન્સર સેન્ટરના એક અભ્યાસે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે ક્યારેય લગ્ન ના કરનારા લોકોમાં કેન્સરનું જોખમ પરિણીત લોકોની સરખામણીએ ઘણું વધારે હોય છે. જણાવી દઈએ કે સંશોધન કરનાર આ સેન્ટર યુનિવર્સિટી ઓફ મિયામી મિલર સ્કૂલ ઓફ મેડિસિનનો ભાગ છે.
અભ્યાસના મુખ્ય મુદ્દાઓ
| વિગત | માહિતી |
| સમયગાળો | વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૨ |
| ડેટા કલેક્શન | ૪૦ લાખથી વધુ કેન્સરના કેસો |
| રાજ્યો | કુલ ૧૦ કરોડથી વધુ વસ્તી ધરાવતા અમેરિકાના ૧૨ રાજ્યો |
| ઉંમર | ૩૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્દીઓ |
| ગ્રુપ ૧ | ક્યારેય પરિણીત ના રહ્યા હોય તેવા લોકો |
| ગ્રુપ ૨ | ઓછામાં ઓછી એક વાર પરિણીત રહ્યા હોય (પરિણીત, છૂટાછેડા લીધેલ, વિધવા/વિધુર) |
| પરિણામ | પરિણીત પુરુષોની સરખામણીએ અપરિણીત પુરુષોમાં કેન્સરનું જોખમ ૭૦% વધુ અને પરિણીત મહિલાઓની સરખામણીએ અપરિણીત મહિલાઓમાં ૮૫% વધુ |
ટોપ પર નીકળ્યું ગુદા અને સર્વાઇકલ કેન્સર
અપરિણીત લોકોમાં એચપીવી (HPV) ને કારણે થતા કેન્સરનું જોખમ સૌથી વધુ જોવા મળ્યું હતું. આના કારણે અપરિણીત પુરુષોમાં ગુદા કેન્સરના કેસ ૫ ગણા અને અપરિણીત મહિલાઓમાં સર્વાઇકલ કેન્સરના કેસ ૩ ગણા વધુ જોવા મળ્યા હતા. આ ઉપરાંત, આ લોકોમાં પરિણીત લોકોની સરખામણીએ તમાકુને કારણે થતા ફેફસા અને અન્નનળીના કેન્સરના કેસ પણ ઘણા હતા, જેની પાછળ દારૂ અને ધૂમ્રપાનની આદતો હોઈ શકે છે. પેટ, કોલોરેક્ટલ, લિવર કેન્સર, અંડાશય અને એન્ડોમેટ્રિયલ કેન્સરના કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો.
…તો શું લગ્ન કરવા જરૂરી છે?
યુનિવર્સિટી ઓફ મિયામી મિલર સ્કૂલ ઓફ મેડિસિને જણાવ્યું હતું કે આ અભ્યાસનો અર્થ એ બિલકુલ નથી કે લગ્ન કરવાથી કેન્સરથી બચી શકાય છે અથવા લોકોએ લગ્ન કરવા જ જોઈએ. ડો. ફ્રેન્ક પેનેડોએ કહ્યું, ‘આ સંશોધનનો અર્થ એ છે કે જો તમે પરિણીત નથી તો તમારે કેન્સરના રિસ્ક ફેક્ટર્સ વિશે જાગૃત રહેવાની, સ્ક્રીનિંગ કરાવવાની અને તમારી હેલ્થ વિશે અપ-ટુ-ડેટ રહેવાની જરૂરિયાત વધારે છે.’
આ અભ્યાસને કેટલી ગંભીરતાથી લેવો જોઈએ?
એક્શન કેન્સર હોસ્પિટલના ડો. સમિત પુરોહિતે આ અભ્યાસને મહત્વપૂર્ણ ગણાવ્યો છે, પરંતુ નિર્ણાયક માનવાની ના પાડી છે. બાયોલોજિકલ રીતે લગ્ન કેન્સરથી બચાવતા નથી, પરંતુ તે જીવનશૈલી અને સામાજિક પરિબળોનો એક સૂચક છે. આ અભ્યાસની કેટલીક મર્યાદાઓ પણ છે, જેમ કે તેમાં લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો કે દર્દીઓની જૂની જીવનશૈલીનો અભ્યાસ કરવામાં આવ્યો નથી.
પરિણીત લોકોમાં કેન્સરના ઓછા જોખમના સંભવિત કારણો
પરિણીત લોકોમાં અતિશય ધૂમ્રપાન, દારૂની લત અને ખરાબ ડાયટની શક્યતા ઓછી હોય છે.
જીવનસાથી અવારનવાર નિયમિત હેલ્થ ચેક-અપ અને સ્ક્રીનિંગ માટે પ્રોત્સાહિત કરે છે.
જીવનસાથી હોવાથી ઇમોશનલ અને સોશિયલ સપોર્ટ મળે છે, જેનાથી તણાવ અને ડિપ્રેશન ઘટે છે અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.
આર્થિક સ્થિરતા હોવાથી હેલ્ધી ન્યુટ્રિશન અને સમયસર ઇલાજ મળવો સરળ બને છે.
એચપીવી (HPV) થી સંક્રમિત થવાનું જોખમ ઓછું રહે છે.
કેન્સરથી બચવા માટે પાયાની સાવધાની
કેન્સરના આશરે ૪૦ ટકા કેસ એવા હોય છે જેનાથી બચી શકાય છે, જેમ કે:
તમામ પ્રકારના તમાકુથી દૂર રહેવું.
દારૂનું સેવન ઓછું કરવું.
વજન જાળવી રાખવું અને નિયમિત કસરત કરવી.
તાજા ફળ, શાકભાજી અને આખા અનાજ ધરાવતો સંતુલિત આહાર લેવો.
કેન્સર સ્ક્રીનિંગ કરાવતા રહેવું.
જરૂર હોય ત્યારે વેક્સિનેશન (રસીકરણ) કરાવવું.
સુરક્ષિત જાતીય સંબંધ રાખવા.

