Winter Hunger causes: શિયાળામાં વારંવાર ભૂખ કેમ લાગે છે? જાણો હોર્મોનલ ફેરફારથી લઈને વજન વધવા સુધીનાં કારણો

Arati Parmar
5 Min Read
Winter Hunger causes

Winter Hunger causes: મોસમ બદલાવાની સાથે લોકોની દિનચર્યા અને ખાનપાનમાં પણ અનેક ફેરફાર થવા લાગે છે. ઉનાળામાં જ્યાં હળવો ખોરાક પસંદ કરવામાં આવે છે, ત્યાં શિયાળો શરૂ થતાં જ ગરમાગરમ પરાઠાં, પકોડાં, મીઠાઈઓ અને ચા-કોફી પીવાની ઇચ્છા વધવા લાગે છે. ઘણા લોકોને આ મોસમમાં સામાન્ય દિવસોની સરખામણીમાં વધુ ભૂખ લાગે છે. કેટલાક લોકો ભોજન કર્યાના થોડા સમય પછી જ ફરી કંઈક ખાવાની ઇચ્છા વ્યક્ત કરવા લાગે છે. આવી સ્થિતિમાં સવાલ ઊભો થાય છે કે શું ઠંડીના કારણે શરીરને ખરેખર વધુ ભોજનની જરૂર પડે છે કે તેની પાછળ બીજાં કારણો છે?

હકીકતમાં શિયાળામાં ભૂખ વધવા પાછળ શરીરમાં થતા હોર્મોનલ ફેરફાર, ઓછો તડકો, ઊંઘ અને રોજિંદી પ્રવૃત્તિઓમાં ફેરફાર જેવાં અનેક કારણો જવાબદાર હોય છે. જો આ આદતો પર ધ્યાન આપવામાં ન આવે તો તેના કારણે ધીમે-ધીમે વજન પણ વધી શકે છે.

- Advertisement -

શિયાળામાં ભૂખ કેમ વધવા લાગે છે?

ઠંડીની મોસમમાં ભૂખ વધવા પાછળ શરીરની અંદર કામ કરતા કેટલાક હોર્મોન્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. હકીકતમાં શિયાળામાં ઊંઘ અને દિનચર્યામાં ફેરફાર ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સની કાર્યપદ્ધતિને અસર કરે છે.

ભૂખને નિયંત્રિત કરવામાં બે હોર્મોન્સ મહત્ત્વપૂર્ણ છે. પહેલું ઘ્રેલિન (Ghrelin), જે મગજને ભૂખ લાગવાનો સંકેત આપે છે. બીજું લેપ્ટિન (Leptin), જે શરીરને પેટ ભરાઈ ગયાનો સંકેત આપે છે. જ્યારે ઊંઘનો સમય અને રોજિંદી આદતો બદલાય છે ત્યારે આ હોર્મોન્સના સંકેતો પર અસર થવા લાગે છે. પરિણામે કેટલાક લોકોને વારંવાર ભૂખ લાગે છે અથવા ભોજન કર્યા પછી પણ સંતોષનો અનુભવ થતો નથી.

- Advertisement -

ઓછો તડકો પણ ખાવાની આદત બદલી શકે છે

શિયાળામાં દિવસો ટૂંકા થઈ જાય છે અને તડકો મળવાનો સમય પણ ઓછો થઈ જાય છે. તેની અસર શરીરની આંતરિક જૈવિક ઘડિયાળ એટલે કે સર્કેડિયન રિધમ (Circadian Rhythm) પર પડે છે. આ શરીરની એવી વ્યવસ્થા છે, જે ઊંઘવા-જાગવા અને શરીરની અનેક પ્રક્રિયાઓને નિયમિત કરે છે.

ઓછા પ્રકાશના કારણે સેરોટોનિન અને મેલાટોનિન જેવા રસાયણોના ઉત્પાદનમાં ફેરફાર થાય છે. આ બંને મૂડ અને ઊંઘને નિયંત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમની અસરથી ખાવાની પસંદગી પણ બદલાઈ જાય છે. આ જ કારણ છે કે કેટલાક લોકોને શિયાળામાં મીઠાઈ, કાર્બોહાઇડ્રેટ અને વધુ કેલરીવાળો ખોરાક ખાવાની ઇચ્છા વધારે થાય છે.

- Advertisement -

ગરમાગરમ અને તળેલો ખોરાક કેમ સારો લાગે છે?

શિયાળામાં ખાનપાનની પસંદગી બદલાવવી પણ ભૂખ વધવાનું એક મોટું કારણ છે. આ મોસમમાં શરીરને ગરમ રાખવા માટે લોકો ઘણીવાર ભારે અને પેટ ભરાય એવો ખોરાક પસંદ કરે છે. બટાકાના પરાઠાં, પકોડાં, હલવો, તલના લાડુ અને ગરમ પીણાં જેવી વસ્તુઓ એટલા માટે પસંદ કરવામાં આવે છે.

શિયાળામાં ભૂખ વધવા પાછળ જૈવિક, પર્યાવરણીય અને વર્તણૂક સાથે જોડાયેલાં અનેક કારણો હોય છે. ઠંડીમાં શરીર પોતાનું સામાન્ય તાપમાન જાળવવા માટે ઊર્જા ખર્ચે છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે દરેક વ્યક્તિને ખૂબ વધારે કેલરીની જરૂર હોય છે.

આ ઉપરાંત તહેવારો, પારિવારિક કાર્યક્રમો અને બહાર જમવાની વધતી આદત પણ કેલરીનું સેવન વધારી શકે છે. જ્યારે વધુ પ્રમાણમાં ભોજન કરવાની અને વારંવાર નાસ્તો કરવાની આદત જોડાઈ જાય છે ત્યારે વજન વધવાની શક્યતા પણ વધી જાય છે.

ઓછી શારીરિક પ્રવૃત્તિ વજન વધવાનું કારણ બની શકે છે

શિયાળામાં સવારે વહેલા ઊઠવું અને કસરત કરવી ઘણા લોકો માટે મુશ્કેલ બની જાય છે. ઠંડીના કારણે લોકો સવારની લટાર મારવાનું છોડી દે છે અને ઘરની અંદર વધુ સમય પસાર કરવા લાગે છે. તેના કારણે તેમની શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થઈ જાય છે.

આવી સ્થિતિમાં જો ખોરાકનું પ્રમાણ પહેલાં જેટલું અથવા તેનાથી વધુ રહે છે તો શરીર દ્વારા ખર્ચવામાં આવતી ઊર્જાની સરખામણીમાં કેલરીનું પ્રમાણ વધી જાય છે. લાંબા સમય સુધી આવું થવાથી વજન વધી શકે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસ, હાઇપોથાઇરોઇડિઝમ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સથી પીડાતા લોકોએ પોતાના ખાનપાન અને વજનમાં થતા ફેરફારો પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

શિયાળામાં ભૂખ અને વજનને આ રીતે નિયંત્રિત રાખો

શિયાળામાં મનપસંદ ખોરાક છોડવાની કે ભૂખ દબાવવાની જરૂર નથી. તેના બદલે ખાનપાનમાં કેટલાક નાના ફેરફાર કરીને વજનને નિયંત્રિત રાખી શકાય છે.

ભોજનમાં દાળ, પનીર, ઈંડાં, ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાનો અનુભવ થાય છે.

બહાર વધુ ઠંડી હોય તો ઘરમાં યોગ, સ્ટ્રેચિંગ અને હળવી કસરત કરી શકાય છે.

શિયાળામાં તરસ ઓછી લાગે છે, પરંતુ શરીરને પાણીની જરૂરિયાત યથાવત્ રહે છે.

મનપસંદ મીઠાઈઓ અને તળેલી વાનગીઓ ખાઓ, પરંતુ તેનું પ્રમાણ મર્યાદિત રાખો.

સૂવાનો, જાગવાનો અને ભોજન કરવાનો સમય નિયમિત રાખવાનો પ્રયાસ કરો.

Share This Article