સતત ચિંતા, ચીડિયાપણું અને થાક મહિલાઓમાં સ્ટ્રેસનાં સંકેતો હોઈ શકે છે, જાણો શરીર પર થતી અસરો
Women Stress Symptoms: આજની ઝડપી જીવનશૈલીમાં કામ, પરિવાર, સંબંધો, આર્થિક જવાબદારીઓ અને રોજિંદા દબાણ માનસિક તણાવ એટલે કે મેન્ટલ સ્ટ્રેસ વધારી શકે છે. સ્ટ્રેસની અસર માત્ર મગજ સુધી મર્યાદિત રહેતી નથી, પરંતુ તેની અસર ઊંઘ, પાચન, શરીરના દુખાવા અને હોર્મોનલ સિસ્ટમ પર પણ જોવા મળી શકે છે. મહિલાઓમાં સ્ટ્રેસનાં લક્ષણો ઘણી વખત એન્ઝાયટી અને ભાવનાત્મક ભારણના સ્વરૂપમાં સામે આવે છે, જ્યારે કેટલીક મહિલાઓમાં માથાનો દુખાવો, પેટની તકલીફ અથવા સતત થાક જેવાં શારીરિક લક્ષણો પણ જોવા મળે છે. એક અભ્યાસમાં એન્ઝાયટી અને ડિપ્રેશનનાં લક્ષણોની તપાસ કરતી વખતે જાણવા મળ્યું કે મહિલાઓમાં સોમેટિક એટલે કે શારીરિક લક્ષણોની જાણ પુરુષોની સરખામણીમાં વધુ કરવામાં આવી હતી.
શું સ્ટ્રેસની અસર મહિલાઓ અને પુરુષોમાં અલગ જોવા મળી શકે છે?
એનસીબીઆઈ અનુસાર, સ્ટ્રેસ દરમિયાન શરીરની હાઇપોથેલેમિક-પિટ્યુટરી-એડ્રિનલ (HPA) એક્સિસ અને ઑટોનોમિક નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે. તેનાથી શરીર હાર્ટ રેટ, બ્લડ પ્રેશર, હોર્મોન્સ અને સતર્કતામાં ફેરફાર કરીને તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરવાનો પ્રયાસ કરે છે. રિસર્ચ રિવ્યૂઝ અનુસાર, સ્ટ્રેસ રિસ્પોન્સમાં મહિલાઓ અને પુરુષો વચ્ચે કેટલાક જૈવિક તફાવતો જોવા મળ્યા છે. તેમાં સ્ટ્રેસ હોર્મોન્સ, બ્રેન સિગ્નલિંગ, ઇમ્યુન રિસ્પોન્સ અને સેક્સ હોર્મોન્સની ભૂમિકા સામેલ હોઈ શકે છે.
પરંતુ સ્ટ્રેસનો અનુભવ માત્ર મહિલા કે પુરુષ હોવાના આધારે નક્કી થતો નથી. વ્યક્તિની ઉંમર, લાઇફસ્ટાઇલ, ઊંઘ, સામાજિક પરિસ્થિતિઓ, જૂના અનુભવો અને સ્ટ્રેસનું સ્વરૂપ પણ લક્ષણોને અસર કરી શકે છે. તેથી મહિલાઓમાં જોવા મળતાં આ લક્ષણો સંભવિત સંકેતો છે, એવો કોઈ નિયમ નથી કે દરેક મહિલામાં આવાં જ લક્ષણો જોવા મળે.
અમેરિકન સાઇકોલોજિકલ એસોસિએશન (APA)ના ‘સ્ટ્રેસ ઇન અમેરિકા’ સર્વે અનુસાર, પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં તણાવનું સ્તર વધારે હોય છે અને તેઓ વધુ શારીરિક તથા ભાવનાત્મક લક્ષણો અનુભવે છે. આ ઉપરાંત, મોટાભાગની મહિલાઓ એ વાત સાથે સહમત થાય છે કે અન્ય કોઈ વ્યક્તિ સમજી શકતું નથી કે તેઓ કેટલા તણાવમાં છે અને તેમને પોતાના તણાવને સંભાળવામાં મુશ્કેલી પડે છે.
મહિલાઓમાં મેન્ટલ સ્ટ્રેસ શરીરને કેવી રીતે અસર કરે છે?
જ્યારે સ્ટ્રેસ થોડા સમય માટે હોય છે, ત્યારે શરીરનો સ્ટ્રેસ રિસ્પોન્સ સામાન્ય રીતે કામ કરે છે. સમસ્યા ત્યારે થઈ શકે છે, જ્યારે તણાવ લાંબા સમય સુધી રહે અને શરીરને વારંવાર સ્ટ્રેસ રિસ્પોન્સ સક્રિય કરવો પડે. આ સ્થિતિમાં ઊંઘ સંબંધિત સમસ્યાઓ, મૂડ, ભૂખ, એકાગ્રતા અને એનર્જી લેવલ પર અસર થઈ શકે છે. લાંબા સમય સુધી રહેતો સ્ટ્રેસ શરીરની અનેક નિયમનકારી સિસ્ટમ પર અસર કરી શકે છે.
ક્લીવલેન્ડ ક્લિનિક અનુસાર, મહિલાઓના કિસ્સામાં પ્રજનન સંબંધિત હોર્મોન્સ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સ મગજ અને સ્ટ્રેસ રિસ્પોન્સ સાથે જોડાયેલા પાથવેમાં ફેરફાર કરી શકે છે. આ જ કારણથી જીવનના અલગ-અલગ તબક્કાઓ જેવા કે મેન્સ્ટ્રુઅલ સાઇકલ, પ્રેગ્નન્સી, પોસ્ટપાર્ટમ પિરિયડ અને મેનોપોઝ દરમિયાન સ્ટ્રેસનો અનુભવ થઈ શકે છે.
સતત ચિંતા, ચીડિયાપણું અથવા ભાવનાત્મક ભારણ
અમેરિકન સાઇકોલોજિકલ એસોસિએશન અનુસાર, દરેક સમયે નાનું કે ઓછું મહત્ત્વનું લાગવું, નાની-નાની વાતો પર ચીડિયાપણું થવું, વારંવાર કોઈપણ બાબતની ચિંતા કરવી અથવા મગજમાં સતત વિચારો ચાલતા રહેવા એ માનસિક તણાવના સંકેતો હોઈ શકે છે.
કેટલીક મહિલાઓને એવું લાગી શકે છે કે તેઓ એકસાથે ઘણી બધી જવાબદારીઓ નિભાવી રહી છે અને તેમનું મગજ સતત “ઓવરલોડેડ” છે. તેનાથી એકાગ્રતા ઘટી શકે છે અને સામાન્ય કામ કરવામાં પણ વધુ મુશ્કેલી પડી શકે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં ચિંતા સંબંધિત વિકારોનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે, જોકે તેની પાછળ માત્ર હોર્મોન્સ જ નહીં, પરંતુ જૈવિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિબળોની ભૂમિકા પણ માનવામાં આવે છે.
ઊંઘ સંબંધિત સમસ્યા અને આખો દિવસ થાક
સ્ટ્રેસ અને ઊંઘ વચ્ચેનો સંબંધ બંને તરફથી હોઈ શકે છે. એનસબીાઈ અનુસાર, વધુ પડતો તણાવ ઊંઘ આવવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે, જ્યારે સતત ખરાબ ઊંઘ વ્યક્તિની સ્ટ્રેસ ઘટાડવાની ક્ષમતાને અસર કરી શકે છે. સ્ટ્રેસ દરમિયાન મગજ “એલર્ટ મોડ”માં રહી શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ પથારીમાં ગયા પછી પણ કામ, પરિવાર, પૈસા અથવા અન્ય કોઈ સમસ્યા વિશે વિચારતી રહી શકે છે.
માથાનો દુખાવો, શરીરનો દુખાવો અથવા પેટ સંબંધિત તકલીફ
એનસીબીઆઈ અનુસાર, માનસિક તણાવની અસર ઘણી વખત સીધી શરીર પર થાય છે. તણાવ દરમિયાન કેટલીક મહિલાઓને માથાનો દુખાવો, સ્નાયુઓમાં તણાવ, ગરદન અથવા ખભામાં દુખાવો અને પેટ સંબંધિત તકલીફો અનુભવાઈ શકે છે. તણાવના સમયે શરીરમાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થાય છે. તેનાથી સ્નાયુઓમાં તણાવ અને શરીરની અન્ય શારીરિક પ્રતિક્રિયાઓમાં ફેરફાર થઈ શકે છે. કેટલાક લોકોમાં તણાવ દરમિયાન પેટની તકલીફ, ગૅસ, ભૂખમાં ફેરફાર અથવા મળત્યાગની આદતોમાં ફેરફાર પણ જોવા મળી શકે છે.
લાંબા સમય સુધી રહેતો સ્ટ્રેસ કેટલીક મહિલાઓમાં ઓવ્યુલેશન અને મેન્સ્ટ્રુઅલ સાઇકલને પણ અસર કરી શકે છે, પરંતુ પિરિયડ્સમાં થતા ફેરફારનું એકમાત્ર કારણ સ્ટ્રેસ જ છે એવું માનવું યોગ્ય નથી. તેથી શરીર અને મન બંનેમાં થતા સતત ફેરફારોને સમજવા જરૂરી છે. જો લક્ષણો રોજિંદા જીવનને અસર કરી રહ્યા હોય અથવા લાંબા સમય સુધી રહેતા હોય, તો યોગ્ય કારણ જાણવા માટે ડૉક્ટરની સલાહ લેવી વધુ સારું છે.

