ભુજ તા. 4 : તહેવારો નજીક આવતાં જ રસોડામાં જરૂરી એવા સીંગતેલના ભાવો ફરી ઉચ્ચ સપાટી તરફ આગેકૂચ કરી રહ્યા છે, અને છેલ્લા એક અઠવાડિયામાં 15 કિલોના ડબ્બા પાછળ અંદાજે રૂા. 100નો વધારો થતાં મોંઘવારીનો માર સહન કરતી ગૃહિણીઓ પર વધુ એક ભાર વધતાં ઘર ચલાવવું મુશ્કેલભર્યું બની રહ્યું હોવાનો બળાપો વ્યક્ત થઈ રહ્યો છે.

સ્થાનિક બજારોમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ વરસાદનાં કારણે બજારોમાં મગફળીની આવકો ઘટવાથી મિલો બંધ થતાં ઓછું પિલાણ તેમજ સીંગતેલની માંગ વધતાં છેલ્લા સપ્તાહ દરમ્યાન સ્થાનિક બજારમાં 15 કિલોના ડબ્બા પાછળ અંદાજે રૂા. 100 જેટલો વધારો થઈ રૂા. 2685ના ભાવે પહોંચ્યો હતો. સ્થાનિક બજારના વેપારીઓના મતે કચ્છમાંયે ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં વાવણીલાયક વરસાદ પડી જતાં ખેડૂતો દ્વારા મગફળીના વાવેતરની પ્રક્રિયા શરૂ થતાં સીંગદાણાની માંગ વધી ગઈ છે, જેના કારણે બજારમાં મગફળીની આવકોમાંયે ઘટાડો થઈ જતો હોય છે, સૌરાષ્ટ્રમાંયે સારા વરસાદને પગલે ખેડૂતો વાવેતર તરફ વળી ગયા હોવાથી બજારમાં મગફળીની અછત થકી મિલોમાં પિલાણ ન થવાથી તેલના ઉત્પાદન પર અસર પડી છે, તો બીજી તરફ તહેવારોનાં કારણે પણ તેલની માંગ વધવાથી ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
વળી, આગામી શ્રાવણ માસને અનુલક્ષીને લોકો વ્રત, એકટાણાના રાખતા હોવાથી બજારમાં ફરાળી ખાદ્યચીજોનીયે માંગમાં વધારો થતો હોવાથી તેમાં સીંગતેલનો વપરાશ થતો હોવાથી પણ ભાવ વધારાનું કારણ બનતું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે. બીજીતરફ પામ, કપાસિયા, સૂરજમુખી અને મકાઈ જેવા અન્ય આયાતી ખાદ્યતેલોમાં થયેલા વધારા પાછળ સીંગતેલ વધવાનું સબળ કારણ હોવાનું નવી જથ્થાબંધ બજારના વેપારી ભાવિનભાઈ જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જીવનજરૂરી વસ્તુઓમાં મોંઘવારીનો આંક દિવસોદિવસ વધી રહ્યો છે, એક તરફ સીંગતેલ સહિતનાં ખાદ્યતેલો મોંઘાં બન્યાં છે, તો અનાજ, કઠોળ અને ચણાદાળ, તુવેર, મગદાળ સહિતમાંયે વધારો જોવા મળ્યો છે, તો દરરોજ જરૂરી એવા ડુંગળી-બટાટા સહિતના શાકભાજીના ભાવોયે આસમાને પહોંચતાં ગૃહિણીઓને ઘર ચલાવવું દુષ્કર બન્યું છે.

