Shashi Tharoor New Book Launch: શશિ થરૂરની કલમે સંત શ્રી નારાયણ ગુરુની ગાથા, ઉપરાષ્ટ્રપતિએ પુસ્તક વિમોચન કરી કોંગ્રેસ સાંસદના કર્યા દિલ ખોલીને વખાણ

Arati Parmar
2 Min Read

Shashi Tharoor New Book Launch: કેરળના મહાન સમાજ સુધારક સંત શ્રી નારાયણ ગુરુના જીવન પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નવા પુસ્તકનું દેશના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને વિમોચન કર્યું. થરૂરના પુસ્તક “હિન્દુ ધર્મને પુનઃવ્યાખ્યાયિત કરનાર સંત: શ્રી નારાયણ ગુરુનું જીવન, પાઠ અને વારસો” ના વિમોચન પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે શ્રી નારાયણ ગુરુ એવા સમયે આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે ઉભરી આવ્યા જ્યારે સમાજમાં જાતિ વિભાજન અને ભેદભાવના મૂળિયાં અત્યંત ઊંડા હતા. તેમનો ‘એક જાતિ, એક ધર્મ, એક ઈશ્વર’નો અમર આધ્યાત્મિક સંદેશ વૈશ્વિક બંધુત્વ અને સમાનતા માટે એક ક્રાંતિકારી આહવાન હતું. તેમણે કહ્યું કે શ્રી નારાયણ ગુરુના કારણે જ આજે કેરળમાં સનાતન ધર્મ અસ્તિત્વમાં છે.

આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ શશિ થરૂરની ખૂબ પ્રશંસા કરી અને કહ્યું કે ઘણા હિન્દુ સંતો અને દાર્શનિકોના યોગદાનને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં વ્યવસ્થિત રીતે સાચવી શકાયું નથી. આ દ્રષ્ટિએ થરૂરે ખૂબ જ શાનદાર કામ કર્યું છે. આનાથી આપણો વારસો દુનિયાભરમાં પહોંચશે. ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કહ્યું કે ઓપરેશન સિંદૂર પછી થરૂરે અસરકારક રીતે સમગ્ર વિશ્વમાં આતંકવાદ સામે ભારતનો સંદેશ પહોંચાડ્યો. નવા નિયમો હેઠળ ઉપરાષ્ટ્રપતિના કાર્યક્રમની શરૂઆત અને અંતમાં આખું વંદે માતરમ અને પછી રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ ખાસ આ વાતનો ઉલ્લેખ કરતા પ્રશંસા કરી કે થરૂર વંદે માતરમ ગાઈ રહ્યા હતા. ઓગણીસમી સદીમાં જન્મેલા કેરળના મહાન સંત અને સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુ પરના પોતાના પુસ્તક વિશે થરૂરે કહ્યું કે તેની પ્રેરણા એ કારણથી મળી કે કેરળની બહારના લોકો તેમના વિશે વધુ જાણતા નથી.

- Advertisement -

કેરળમાં થોડા જ દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એવામાં પુસ્તકનું ટાઈમિંગ મહત્વનું છે. મહત્વની વાત એ પણ રહી કે કાર્યક્રમમાં કોંગ્રેસના કોઈ મુખ્ય નેતા કે કેરળથી થરૂરના સાથી સાંસદ હાજર નહોતા. તાજેતરમાં જ રાહુલ ગાંધી સાથે થયેલી બેઠક બાદ થરૂરને કેરળ વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે કેમ્પેઈન કમિટીના સહ-પ્રમુખ બનાવ્યા છે.

Share This Article