ઘરેલુ હિંસા કેસમાં પત્નીને મળ્યો ન્યાય, પતિને ભરણપોષણ આપવાનો આદેશ
સુરતઃ ઘરેલુ હિંસા કેસમાં મહત્વના ચુકાદામાં સુરતની કોર્ટે પતિને પત્ની અને પુત્રીને ભરણપોષણ અને ઘરનું ભાડું ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઘરેલું હિંસા કાયદાનો હેતુ મહિલાઓને સુરક્ષા પ્રદાન કરવાનો અને ભય વિના જીવવાનો તેમનો અધિકાર સુનિશ્ચિત કરવાનો છે.
યોગી ચોકની રહેવાસી રૂપલ ધાનાણીએ તેના પતિ ચિરાગ ધાનાણી સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો હતો. (નામ બદલ્યું છે) રૂપલે કોર્ટમાં જણાવ્યું કે તેના લગ્ન થયા ત્યારથી તેના સાસરિયાઓ દ્વારા તેણીને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દહેજ માટે પણ તેણીને ત્રાસ આપવામાં આવતો હતો.
અરજદાર પત્નીએ એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફત સુરતની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ અરજી કરી હતી.
રૂપલની અરજી સ્વીકારતા કોર્ટે ચિરાગને રૂપલને રૂ. 5,000, તેની પુત્રીને રૂ. 4,000 અને ઘરના ભાડા તરીકે રૂ. 2,500 ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જે કુલ રૂ. 11,500 પ્રતિ માસ થાય છે. આ સિવાય ચિરાગે રૂપલને રૂ.10,000નું વળતર અને રૂ.1,500નો કાનૂની ખર્ચ પણ ચૂકવવો પડશે.
સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જજ ડૉ. શ્રીમતી સુપ્રીત કૌર ગાબાએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે ઘરેલુ હિંસા એ ગંભીર સામાજિક સમસ્યા છે અને પીડિતોને ન્યાય આપવો અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે આ કેસમાં રૂપલ પર થયેલા અત્યાચાર સ્પષ્ટ છે અને તેને ન્યાય મળવો જોઈએ.
અરજદાર રૂપલ તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રીતિ જિગ્નેશ જોશીએ કહ્યું કે આ નિર્ણય ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ માટે મોટી જીત છે. તેમણે કહ્યું કે આ નિર્ણય અન્ય પીડિત મહિલાઓને પણ ન્યાય મેળવવા માટે પ્રેરિત કરશે.

