પાકિસ્તાનમાંથી 150 આતંકી ભારતમાં ઘૂસવાની ફિરાકમાં

Reena Brahmbhatt
2 Min Read
Shopian: Security forces during a cordon and search operation after a militant was killed in a gunfight with the security forces in Jammu and Kashmir's Shopian district, on May 3, 2019. (Photo: IANS)

નવી દિલ્હી, તા.12 : પાકિસ્તાન ફરી કારગિલમાં ઘૂસણખોરી કરી હતી તેવી જ ગુસ્તાખી કરવાની ફિરાકમાં હોવાના સંકેતો મળી રહ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)એ એલઓસી પાર પાકિસ્તાન તરફથી 150 આતંકવાદીઓ ભારતમાં ઘૂસવાની તૈયારીમાં હોવાની ચેતવણી આપી છે. શિયાળાનો સમય શરૂ થવા જઈ રહ્યો છે. આ સમયગાળામાં જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થતી હોય છે તે પહેલાં જ પાકિસ્તાન મોટા પ્રમાણમાં આતંકીઓ ઘૂસાડવાની તૈયારીમાં હોવાના અહેવાલો સૈન્યને મળ્યા છે.

jammu kashmir new map

- Advertisement -

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ સહયોગ સંગઠનનાં સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જવાના છે. એવા સમયે આ અહેવાલો સામે આવ્યા છે. 1999માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ શાંતિનો સંદેશો લઈને લાહોર સુધી બસ યાત્રા કરી હતી. જે બાદ પાકિસ્તાને કારગિલ યુદ્ધ છેડી દીધું હતું. એવામાં હાલ જ્યારે ભારતના વિદેશ પ્રધાન પાકિસ્તાન જઈ રહ્યા છે ત્યારે સમગ્ર એલઓસી પાસે 150થી વધુ આતંકી સક્રિય હોવાની માહિતી સૈન્યને મળી છે. તેથી શું પાકિસ્તાન ફરી કારગિલ યુદ્ધની તૈયારી કરી રહ્યું છે તેવા સવાલો હાલ ચર્ચામાં આવ્યા છે.

શ્રીનગરમાં પત્રકારોની સાથે વાતચીત દરમિયાન બીએસએફના ઇન્સ્પેક્ટર જનરલ (કાશ્મીર ફ્રન્ટ) અશોક યાદવે કહ્યું હતું કે એલઓસી પાર કેટલા આતંકીઓ છે તેની અમારી પાસે માહિતી છે, આ માહિતીના આધારે જ કોઈપણ પ્રકારની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવામાં અમને સફળતા મળે છે. પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારની ઘૂસણખોરીનો પ્રયાસ થશે તો આકરો જવાબ આપવામાં આવશે. સામાન્ય રીતે એલઓસી પાસે 130થી 150 જેટલા આતંકીઓ હોવાની માહિતી મળી છે પરંતુ તેનાથી વધારે પણ હોઇ શકે છે. આ સાથે જ તેમણે નાર્કેટેરેરિઝમ અંગે પણ માહિતી આપી હતી, તેમણે જણાવ્યું હતું કે સમગ્ર એલઓસી પાસે પાકિસ્તાન તરફથી ડ્રગ્સ ઘૂસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ ડ્રગ્સના બદલામાં જે નાણાં મળે છે તેનો ઉપયોગ આતંકવાદમાં થાય છે.

- Advertisement -
Share This Article