ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે `પીઓકે ભારતનું અને તે મેળવીને જ જંપશું’

Reena Brahmbhatt
2 Min Read

નવી?દિલ્હી, તા. 12 : લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે, તે વચ્ચે રવિવારે ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરના પાક તરફી નિવેદન મામલે કોંગ્રેસ અને તેના ઈન્ડિયા જોડાણ પર જોરદાર પ્રહાર કર્યા હતા અને પાક પાસે પરમાણુ હથિયાર છે તો શું પીઓકે છોડી દેવું તેવા સવાલ કરી પીઓકે પરત મેળવીને જ જંપીશું તેમ કહ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, ઉત્તરપ્રદેશની કૌશાંબી બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં આયોજિત રેલીને સંબોધિત કરતાં શાહે કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, મણિશંકર અને ફારુક અબ્દુલ્લા કહે છે કે, પાકિસ્તાનનું સમ્માન કરો. કેમ કે, તેમની પાસે પરમાણુ બોમ્બ છે.

pok

- Advertisement -

તેથી તેમની પાસેથી પાકના કબ્જાવાળું કાશ્મીર ન માગવું જોઈએ તેમ જણાવ્યું હતું. વધુમાં અમિત શાહે ઉમેર્યું હતું કે, રાહુલ ગાંધી પરમાણુ બોમ્બથી ભલે ડરતા, પણ અમે ડરવાના નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેને પરત મેળવીને જ જંપીશું તેમ કહી ગૃહમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને તેમ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજીવાર જીતાડવા લોકોને અપીલ કરી હતી. નોંધનીય છે કે, કોંગ્રેસ નેતા ઐય્યરે વીડિયોમાં નિવેદન કર્યું હતું કે, પાક પાસે પરમાણુ બોમ્બ હોવાથી ભારતે તેનું સમ્માન કરવું જોઈએ અને તેની સાથે જોડાવું જોઈએ. જો કે, કોંગ્રેસે ઐય્યરની આ ટિપ્પણીથી પોતાને અળગો રાખ્યો હતો અને વીડિયો જૂનો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પીઓકેમાં પાક અત્યાચારી નીતિ અપનાવી રહ્યું છે. મોંઘવારી, ટેક્સ અને વીજળીની અછતને લઈ પ્રદર્શન કરી રહેલા લોકો પર લાઠીચાર્જ તથા અશ્રુગેસના ગળા વરસાવ્યા હતા, જેમાં બે પ્રદર્શનકારીનાં મોત થયાં હતા તથા અનેક ઘાયલ થયા હતા. રાહુલ બાબા જો તમારે પરમાણુ બોમ્બથી ડરવું હોય તો ડરો, અમે ડરતા નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનું છે અને અમે તેને લઈશું. આ સાથે અમિત શાહે જનતાને ભાજપના ઉમેદવારના સમર્થનમાં વોટ કરવાની અપીલ કરી હતી. તેમણે દાવો કર્યો કે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાની પહેલી હેટ્રિક છે. બીજી હેટ્રિક ત્રીજી વખત યુપીમાં સપા, બસપા અને કોંગ્રેસને સંપૂર્ણ રીતે ખતમ કરવાની છે અને ત્રીજી હેટ્રિક મારા મિત્ર વિનોદ સોનકરને સાંસદ બનાવવાની છે.

Share This Article