નવી દિલ્હી, તા. 13 : સાત તબક્કામાં વહેંચાયેલી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે સોમવારે દેશના 10 રાજ્ય અને છ કેન્દ્રશાસિત પ્રદેશની 96 બેઠક પર કુલ 62.76 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા વચ્ચે સૌથી વધુ 75.66 ટકા મત પડયા હતા, તો સૌથી ઓછું 36.57 ટકા મતદાન જમ્મુ કાશ્મીરમાં થયું હતું. આમ, ગિરિરાજસિંહ, અજય મિશ્ર ટેની, નિત્યાનંદ રાય જેવા કેન્દ્રીય મંત્રીઓ સહિત કુલ 1717 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું. બીજી બાજુ લોકસભાની સાથે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં વિધાનસભા માટે પણ અનુક્રમે કુલ 68.04 અને 63.95 ટકા મતદાન થયું હતું. આ અગાઉ કુલ ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જેમાં પહેલા તબક્કામાં સરેરાશ 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા અને ત્રીજા તબક્કામાં 65.67 ટકા મત પડયા હતા. આમ, કુલ ચાર તબક્કામાં સરેરાશ 65.32 ટકા મતદાન થયું છે.

ચોથા તબક્કામાં આંધ્રપ્રદેશની 25 બેઠક પર 68.12 ટકા, બિહારમાં 40માંથી પાંચ બેઠક પર 55.78 ટકા, ઝારખંડની 14માંથી ચાર બેઠક પર 63.37 ટકા, મધ્યપ્રદેશની 29માંથી આઠ બેઠક પર 68.44 ટકા, મહારાષ્ટ્રની 11 બેઠક પર 52.63 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં 36.57 ટકા, ઓરિસ્સામાં 63.85 ટકા, તેલંગાણામાં 61.23 ટકા, ઉત્તરપ્રદેશમાં 57.66 ટકા અને પશ્ચિમ બંગાળમાં 75.71 ટકા મતદાન નોંધાયું હતું. દેશના 10 રાજ્યમાં યોજાયેલી ચૂંટણી પૈકી પશ્ચિમ બંગાળમાં ફરી હિંસાની ઘટનાઓ સામે આવી હતી. મતદાન પૂર્વે રવિવારે બંગાળના પૂર્વ બર્ધમાન જિલ્લાના કેતુગ્રામ વિસ્તારમાં મોડી સાંજે ટીએમસી કાર્યકર્તા પર હુમલો કરાયા બાદ તેની હત્યા કરાઈ હતી, તો આસનસોલમાં પણ મતદાન પહેલા ભાજપ કાર્યકર્તાઓ પર હુમલો કરાયો હતો, જેનો આરોપ ટીએમસી પર લગાવાયો હતો. તે ઉપરાંત બીરભૂમ જિલ્લામાં પણ ભાજપના અસ્થાયી કેમ્પમાં તોડફોડ કરાઈ હતી, જે તૃણમૂલ કોંગ્રેસ દ્વારા પ્રેરિત હોવાનો ભાજપે આરોપ લગાવ્યો હતો. ચોથા દોરના મતદાન દરમિયાન 92 હજાર મતદાન કેન્દ્ર પર લોકો દ્વારા મતાધિકારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 8.97 કરોડ પુરુષ અને 8.73 કરોડ મહિલા મળી કુલ 17.7 કરોડ મતદાતા નોંધાયા હતા.
