Ghooskhor Pandit Movie Title Controversy: સુપ્રીમ કોર્ટે ‘ઘૂસખોર પંડિત’ ફિલ્મના શીર્ષક પર સખત વાંધો ઉઠાવ્યો છે. અદાલતે સંકેત આપ્યો છે કે જો ફિલ્મનું નામ બદલવામાં નહીં આવે તો તેની રિલીઝની મંજૂરી આપવામાં આવશે નહીં. અદાલતે નિર્માતાઓને જણાવ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે સમાજના કોઈ પણ વર્ગને અપમાનિત કે બદનામ કરવાની મંજૂરી આપી શકાય નહીં. બેન્ચે સ્પષ્ટ કર્યું કે સર્જનાત્મક સ્વતંત્રતા મહત્વની છે, પરંતુ તે સંપૂર્ણપણે નિરંકુશ નથી. તેનો ઉપયોગ બંધારણીય મૂલ્યો અને સામાજિક સંવેદનશીલતાના દાયરામાં રહીને જ થવો જોઈએ. અદાલતે નિર્માતાઓને ફિલ્મના શીર્ષક અને સામગ્રી પર પુનઃવિચાર કરવા જણાવ્યું છે અને સંકેત આપ્યો છે કે જો વાંધાજનક તત્વો યથાવત રહેશે તો ન્યાયતંત્ર હસ્તક્ષેપ કરી શકે છે.
કેસની આગામી સુનાવણીમાં એ જોવામાં આવશે કે નિર્માતાઓ શીર્ષક બદલવા અથવા અન્ય સુધારા કરવા માટે શું પગલાં ભરે છે. સુપ્રીમ કોર્ટે ફિલ્મના નિર્માતાઓ-દિગ્દર્શકો અને સંબંધિત પક્ષોને નોટિસ જારી કરીને તેમની પાસે જવાબ માંગ્યો છે કે વાંધાજનક શીર્ષક હોવા છતાં ફિલ્મની રિલીઝ શા માટે ન રોકવી જોઈએ. આ મામલે ૧૯ ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે. અગાઉ દિલ્હી હાઈકોર્ટે નેટફ્લિક્સ (Netflix) દ્વારા નામ બદલવાની ખાતરી આપ્યા બાદ એક અરજીનો નિકાલ કર્યો હતો.
કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો નવું નામ જણાવવામાં નહીં આવે તો ફિલ્મ રિલીઝ કરવા દેવામાં આવશે નહીં. સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્નાએ જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે સમાજના કોઈ પણ વર્ગને અપમાનિત કરી શકાય નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે સમાજ પહેલેથી જ વિભાજન અને તણાવનો સામનો કરી રહ્યો હોય.
કોર્ટે એ પણ પૂછ્યું હતું કે શું ફિલ્મમાં કોઈ સમુદાય પ્રત્યે વાંધાજનક સામગ્રી છે અને આ સંદર્ભમાં ફિલ્મ નિર્માતાઓ પાસે સોગંદનામું માંગ્યું હતું. અદાલતે જણાવ્યું હતું કે બંધુત્વ (Fraternity) એ બંધારણના મૂળભૂત માળખાનો હિસ્સો છે અને બોલવાની તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતા તેને નબળી પાડી શકે નહીં. સાથે જ એવી ટિપ્પણી પણ કરી હતી કે આવા શીર્ષકો સામાજિક અશાંતિમાં વધારો કરી શકે છે.

