ભુજ, તા. 17 : પ્રેમ દરેક કરી શકે છે, પરંતુ પોતાની સાચી ઓળખ છુપાવી પ્રેમજાળમાં ફસાવાના `લવજેહાદ’ના કિસ્સા સામે આવી રહ્યા છે. તેમાની એક ચોંકાવનારી ફરિયાદ ભુજ સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાઈ છે. ઓનલાઈન ગેમમાં થયેલો પરિચય કેટલો ભારે પડી શકે છે તે માટે પણ આ બનાવ લાલબત્તી સમાન છે.
મુંબઈથી શરૂ થયેલી અને માંડવી તાલુકાના એક ગામમાં દુ:ખદ અંત સાથે પૂર્ણ થયેલી યુવતીની `લવજેહાદ’ની સિલસિલાવાર વિગતો બોર્ડર રેન્જ-ભુજ સાયબર ક્રાઈમ પોલીસના પીઆઈ લક્ષ્મણ પી. બોડાણાએ આપી હતી જે મુજબ થોડા વર્ષો પહેલા મુંબઈ રહેતી યુવતી ઓનલાઈન ફ્રી ફાયર મેક્સની ગેમ રમતી હતી જેમાં તેનો પરિચય એક જિગર નામની આઈ.ડી. ધરાવતા યુવક સાથે થયો હતો. આ બાદ સ્નેપચેટની આઈડીની આપ-લે થઈ હતી.
સ્નેપચેટમાં યુવકનું નામ જિગર હતું. સ્નેપચેટમાં હિન્દુ ધાર્મિક સ્થાન અને ત્યાં દર્શન કરતો હોવાના ફોટા શેર કરતો હતો. સોશિયલ મીડિયાની વાતચીત બાદ બન્ને રૂબરુ મળવા લાગ્યા અને પરિચય વધુ ગાઢ થતાં ડોમ્બિવલીમાં શરીર સંબંધે બંધાયા હતા. યુવાતીએ લગ્ન કરવાનું કહેતા યુવકે ઘટસ્ફોટ કર્યો હતો કે તે જિગર નહીં પરંતુ જિહાદ છે અને લગ્ન કરવા હોય તો તારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. આથી યુવતીએ તે યુવક સાથે સંબંધ વિચ્છેદ કરીને બે-ત્રણ વર્ષ પૂર્વે માંડવી તાલુકામાં આવી ગઈ હતી.
આ દુ:ખદ કહાનીનો અંત અહીં પૂર્ણ નથી થયો… ભોગ બનેલી યુવતીના ભાઈની બંધ પડેલી સોશિયલ મીડિયાની જૂની આઈડી આરોપીએ ચાલુ કરીને તેમાં તેણે જે-તે સમયના જૂના બન્નેના સાથેના અંગત ફોટા વાયરલ કરી યુવતીના ભાઈની હાલની ચાલુ આઈડીમાં વાયરલ કરી દીધા હતા.
આ વાયરલ થયેલા ફોટાનાં કારણે યુવતીની થયેલી સગાઈ તૂટી ગઈ હતી. આથી આ યુવતીએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરતાં ગઈકાલે ફરિયાદ નોંધાઈ છે. શ્રી બોડાણાએ જણાવ્યું હતું કે આરોપી જિયાદ ઉર્ફે સમીર લતીબ શેખ (રહે. પૂના – મહારાષ્ટ્ર) પોલીસના રડારમાં અને હાથવેંતમાં છે. આ કેસની તપાસ ડીવાયએસપી શ્રી ક્રિશ્ચયન ચલાવી રહ્યા છે.

