Alimony Rights India: સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે છૂટાછેડા પછી પતિ પોતાની પૂર્વ પત્નીના ભરણપોષણની જવાબદારીમાંથી માત્ર એ આધારે બચી શકતો નથી કે પત્ની શિક્ષિત છે અથવા તેને માતા-પિતાનો સહયોગ મળી રહ્યો છે. અદાલતે કહ્યું કે લગ્ન એ માત્ર આર્થિક સમજૂતી નથી, પરંતુ ભાવનાત્મક જોડાણ, સાથ અને પરસ્પર સહયોગની સંસ્થા છે.
પત્ની ભણેલી-ગણેલી હોય તો પણ મહિલાને આ હક
જસ્ટિસ એસ. વી. એન. ભટ્ટી અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કહ્યું કે એક મહિલા સન્માનજનક અને સ્થિર જીવનની આશા સાથે લગ્નગ્રંથિમાં જોડાય છે. જો લગ્ન તૂટી જાય, તો પતિની જવાબદારી માત્ર એટલા માટે ખતમ નથી થઈ જતી કે પત્ની ભણેલી-ગણેલી છે. છૂટાછેડા પછી પણ પત્ની તે જીવનધોરણ મુજબ જીવન જીવવા માટે હકદાર છે, જે રીતે તે લગ્ન દરમિયાન રહેતી હતી.
શું હતો મામલો?
આ ચુકાદો મધ્ય પ્રદેશ હાઈકોર્ટના એક આદેશ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર આવ્યો છે. ફેમિલી કોર્ટે મહિલાને દર મહિને ૧૫,૦૦૦ રૂપિયા ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો, જેને હાઈકોર્ટે યથાવત રાખ્યો હતો. મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને કહ્યું કે પતિની માસિક આવક આશરે ૧.૬૦ લાખ રૂપિયા છે, એવામાં ૧૫,૦૦૦ રૂપિયા પૂરતા નથી. અદાલતે ભરણપોષણની રકમ વધારીને દર મહિને ૩૦,૦૦૦ રૂપિયા કરી દીધી.
ચુકાદાની દૂરગામી અસર થશે
સુપ્રીમ કોર્ટ અગાઉ પણ અનેક કિસ્સાઓમાં કહી ચૂકી છે કે લગ્નજીવન દરમિયાન મહિલાનું જે જીવનધોરણ અને લાઇફ સ્ટાઇલ રહી હોય, તે જ સ્ટાન્ડર્ડ જાળવી રાખવું પડશે. મહિલા (પત્ની) પોતાના લગ્નજીવનમાં સાસરીમાં એક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગવાળી જીવનશૈલીની આદિ રહી હોય છે. પત્નીનો અધિકાર છે કે તેને તેવી જ લાઇફ સ્ટાઇલ અને જીવનશૈલી મળવી જોઈએ જે તેને પતિ સાથે મળી હતી. વર્તમાન કેસમાં પણ સુપ્રીમ કોર્ટે આ વાત પર ફરીથી ભાર મૂક્યો છે. આ સંજોગોમાં આ ચુકાદાઓની દૂરગામી અસરો જોવા મળશે.

