કિસાનોને અને કેન્દ્રીય કર્મીઓને દિવાળીની આગોતરી ભેટ

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી): કેન્દ્રીય કેબિનેટે બુધવારે કેન્દ્રીય કર્મચારીઓ અને કિસાનોને દિવાળીની આગોતરી ભેટ સમાન જાહેરાતો કરી હતી. મોંઘવારી ભથ્થાંમાં ત્રણ ટકાનો વધારો અને ઘઉંથી લઇને સરસવ સુધીના રવીપાકના ટેકાના ભાવમાં વધારાનું એલાન કર્યું હતું. પ્રધાન મંડળની બેઠક બાદ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જાણકારી આપી હતી કે, ખેડૂતોને રાહત માટે ચણા અને સૂર્યમુખી સુધીના પાકના ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે. ઘઉંના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 150 રૂપિયા અને સરસવના ભાવમાં ક્વિન્ટલ દીઠ 300 રૂપિયાનો વધારો કરાયો છે.

કેબિનેટે રવીપાકના ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને દિવાળીની ભેટ આપી છે. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપતાં ડીએ (મોંઘવારી ભથ્થું)માં 3 ટકાનો વધારો કર્યો છે, જે સાથે ડીએ વધીને પ3 ટકા થયું છે. અગાઉ માર્ચમાં ડીએમાં 4 ટકાનો વધારો કરાયો હતો. કેન્દ્રીય કર્મચારીઓને હાલ પ0 ટકા ડીએ મળી રહ્યું છે, જેમાં 3 ટકાનો વધારો થયો છે. દિવાળી પહેલાં કેબિનેટની બેઠકમાં સરકારે ડીએ વધારાને મંજૂરી આપી કેન્દ્રીય કર્મચારીઓને ખુશ કર્યા છે. નવો વધારો 1 જુલાઈ-ર0ર4ની અસરથી લાગુ થશે. ડીએમાં વધારા સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. સામાન્ય રીતે સરકાર જાન્યુઆરી અને જુલાઈમાં ડીએની સમીક્ષા કરે છે. છેલ્લે ર4 માર્ચ-ર0ર4ના ડીએમાં 4 ટકાનો વધારો અપાતાં ડીએ 46 ટકાથી વધીને પ0 ટકા થયું હતું.

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાંમાં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીને 3 મહિનાનું એરિયર્સ પણ મળશે. કર્મચારીઓને ઓક્ટોબરના પગારમાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર ઉમેરાશે. કાળઝાળ મોંઘવારીના દોરમાં સરકારી કર્મચારીઓ માટે આ વધારો રાહત રૂપ બની રહેશે. ઉલ્લેખનીય છે કે, 30 સપ્ટેમ્બરે જ કેન્દ્રીય કર્મચારીઓના મહામંડળે મોંઘવારી ભથ્થાંમાં વધારાની જાહેરાતમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરતો પત્ર નિર્મલા સીતરામનને લખ્યો હતો. અહેવાલ પ્રમાણે સરકારે વર્ષ 2025-26ની માર્કેટિંગ સીઝન માટે ટેકાના ભાવ નક્કી કર્યા છે.

આ મુજબ ઘઉંના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ 150 રૂપિયા વધારીને 2425 રૂપિયા કરાયા છે. સરસવના ભાવ 300 રૂપિયા ક્વિન્ટલ દીઠ વધારાતાં એના ટેકાના ભાવ 5950 રૂપિયા થયા છે. ચણાના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ 210 રૂપિયા વધારાતાં એનો ભાવ ખેડૂતોને 5650 રૂપિયા મળશે. મસૂરના ભાવમાં 275 રૂપિયા ક્વિન્ટલ દીઠ વધારો કરાતાં 6700 રૂપિયા થયા છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ છે અને ખેડૂતોને લાભ મળે એવા કેટલાય નિર્ણયો સમયાંતરે લેવાયા છે, લેવાતાં રહેશે. આંદોલનકારી ખેડૂતો સરકારે એમના માટે જે નિર્ણયો લીધા છે એમને સમજીને નિર્ણય લેશે, એમ વૈષ્ણવે જણાવ્યું હતું.

- Advertisement -
Share This Article