જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં કેપ્ટન શહીદ, ચાર આતંકી ઠાર

Reena Brahmbhatt
3 Min Read

જમ્મુ, તા. 14 : દેશના સ્વતંત્રતા દિનના એક દિવસ પહેલાં જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં રાતભર જારી રહેલાં ભીષણ ઘર્ષણ બાદ ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ ચાર આતંકવાદીને ઠાર માર્યા હતા. જોકે, આ સંઘર્ષમાં ભારતીય સેનાના એક કેપ્ટન પણ શહીદ થયા. દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ખાસ કરીને સેના પર નિશાન સાધીને થતા આતંકી હુમલાને ગંભીરતાથી ધ્યાને લેતાં બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. ડોડામાં આતંકીઓ સામે લડતાં પ્રાણનું બલિદાન આપનાર કેપ્ટન 48 રાષ્ટ્રીય રાઈફલ્સના હતા. સૈન્ય અભિયાન દરમ્યાન યુદ્ધની તૈયારીમાં હોય તેવા શત્ર ભંડાર મળી આવ્યા હતા. સુરક્ષાદળોને બાતમી મળી હતી કે, કેટલાક આતંકી ઉધમપુરનાં પટનીટોપ અને ડોડા જિલ્લામાં જંગલોમાં છૂપાઈ બેઠા છે.

terrorists32

- Advertisement -

ગઈકાલે મંગળવારે સુરક્ષાદળો રાત્રે આઠેક વાગ્યે ત્યાં પહોંચી ગયાં હતાં, જ્યાં આતંકવાદીઓ આરામ કરી રહ્યા હતા. ડોડોના અસ્સર વિસ્તારમાં સુરક્ષાદળોને જોતાં જ ગભરાઈ ગયેલા આતંકવાદીઓએ બેફામ ગોળીબાર કર્યો હતો. આ ભયાનક ઘર્ષણમાં જવાનોએ ચાર આતંકીને ઠાર કરી નાખ્યા હતા. આતંકવાદીઓ સામે સંઘર્ષનું નેતૃત્વ કરી રહેલા 48 રાષ્ટ્રીય રાઈફલ્સના કેપ્ટન દીપક ઘાયલ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, પરંતુ ગંભીર ઈજાઓનાં કારણે તેમણે દમ તોડયો હતો. દરમ્યાન, કાશ્મીરમાં સેના પર કરાતા આતંકવાદી હુમલાઓને ગંભીરતાથી ધ્યાને લેતાં દેશના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે આજે બુધવારે જ એક બેઠક કરી હતી, જેમાં આતંકવાદી હુમલાઓને નાથવાની યોજના પર ચર્ચા કરાઈ હતી. રાજનાથસિંહે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત દોવલ, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સુરક્ષા એજન્સીઓના પ્રમુખ સામેલ થયા હતા.

આ બેઠક સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ કરાઇ હતી. જેનો હેતુ કાશ્મીરમાં આતંકી હુમલા ઉપર કાબૂ મેળવવાનો હતો. આતંકવાદીઓ જમ્મુ વિસ્તારના પહાડી જિલ્લામાં સેના, સુરક્ષા દળ અને નાગરીકો ઉપર ઘાત લગાડીને હુમલો કરી રહ્યા છે. ચાલુ વર્ષે 21 જુલાઈ સુધીમાં આતંકવાદીઓએ 11 મામલામાં સેના, સુરક્ષા દળ અને નાગરીકો સહિત 28 લોકોની હત્યા કરી છે, જ્યારે સુરક્ષા દળોએ 28 આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યા છે. જમ્મુના પર્વતીય ક્ષેત્રમાં 40-50 આતંકવાદી સક્રિય હોવાની સૂચના બાદ સેનાએ પુંચ, રાજૌરી, ડોડા, ઉધમપુર, કથુઆ અને રિયાસીમાં 4000થી વધારે પેરા કમાન્ડો તૈનાત કર્યા છે. સુરક્ષા દળોને આતંકવાદીઓના કોઈપણ પ્રકારના હીટ એન્ડ રન હુમલાને વિફળ બનાવવા માટે પહાડી વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રોમાં પહેલા ઘાત લગાડીને અચાનક હુમલા કરવામાં આવ્યા હતા અને બાદમાં આતંકીઓ ગાઢ જંગલમાં નાસી જતા હતા. સેનાની રણનીતિનો હેતુ આતંકવાદીઓને પહાડનાં જંગલોમાંથી બહાર કાઢવાનો છે.

- Advertisement -
Share This Article