CBSE Board Exam 2027: CBSEનો નવો સર્ક્યુલર જાહેર, ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી તપાસવાની પદ્ધતિમાં ફેરફાર

Arati Parmar
4 Min Read
CBSE Board Exam 2027

CBSE New evaluation process Circular: હવે ગોખેલા જવાબોથી નહીં મળે સારા ગુણ, તાર્કિક વિચારશક્તિ અને વ્યવહારુ જ્ઞાનને મળશે મહત્ત્વ

CBSE Board Exam 2027: CBSE ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 2027ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસવાની પદ્ધતિમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. બોર્ડે પોતાની સત્તાવાર વેબસાઇટ પર નવો સર્ક્યુલર જાહેર કરીને આ અંગે માહિતી આપી છે.

CBSE અનુસાર, હવે બોર્ડની પરીક્ષાઓમાં માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન ગોખીને જવાબ લખવાથી સારા ગુણ નહીં મળે, પરંતુ વિદ્યાર્થીઓની તાર્કિક વિચારશક્તિ અને વ્યવહારુ જ્ઞાનને વધુ મહત્ત્વ આપવામાં આવશે.

- Advertisement -

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં સ્પષ્ટ જણાવાયું છે કે બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસતી વખતે વૈચારિક સમજ (Conceptual Understanding), તાર્કિક વિચારશક્તિ અને જ્ઞાનના વ્યવહારુ ઉપયોગ (Practical Application) પર વધુ ભાર મૂકવામાં આવશે.

આ પ્રસ્તાવિત વ્યવસ્થા હેઠળ, બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ માત્ર ગોખેલા જવાબો પર આધાર રાખવાને બદલે વિષયોની સ્પષ્ટ સમજ દર્શાવવી પડશે. બોર્ડે ઉત્તરવહીઓ તપાસવાની આ નવી પદ્ધતિને અગાઉની સરખામણીમાં વધુ અર્થપૂર્ણ બનાવવાની અને વિદ્યાર્થીઓની વાસ્તવિક શીખવાની ક્ષમતાને દર્શાવવાની યોજના બનાવી છે.

- Advertisement -

શું CBSE બોર્ડ પરીક્ષાની પદ્ધતિ બદલશે?

CBSEના સિટી કો-ઓર્ડિનેટર સુમંત કુમારે જણાવ્યું કે આ મૂલ્યાંકન માળખું નેશનલ એજ્યુકેશન પૉલિસી (NEP) 2020ને અનુરૂપ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે, આ સર્ક્યુલરમાં બોર્ડ પરીક્ષાની હાલની પરીક્ષા પદ્ધતિમાં તાત્કાલિક કોઈ ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી નથી. CBSE એક રાષ્ટ્રીય સંમેલનમાં મૂલ્યાંકન સુધારા અંગે ચર્ચા કરશે.

ડિસેમ્બરમાં મહત્ત્વપૂર્ણ બેઠક

બોર્ડના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવિત મૂલ્યાંકન નીતિ અંગે દેશભરની શાળાઓના આચાર્યો અને શિક્ષણવિદો સાથે ચર્ચા કરવામાં આવશે. CBSEનું 32મું રાષ્ટ્રીય સંમેલન 17 અને 18 ડિસેમ્બરે જમ્મુમાં યોજાશે. આ સંમેલનની થીમ ‘મૂલ્યાંકન: વૈશ્વિક દૃષ્ટિકોણ અને ભવિષ્ય માટે તૈયાર વિદ્યાર્થીઓ’ રાખવામાં આવી છે.

- Advertisement -

આ સંમેલનમાં પરંપરાગત ગુણ આધારિત મૂલ્યાંકનથી આગળ વધીને વિદ્યાર્થીઓની શીખવાની ક્ષમતા, તેમની નવીન વિચારશક્તિ અને વ્યવહારુ સમજનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

સંમેલનમાં મૂલ્યાંકનની પ્રક્રિયાઓ અંગે પણ ચર્ચા થશે, જેમાં શિક્ષકો અને શાળા સંચાલકોને વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓના મૂલ્યાંકન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ચર્ચાઓમાં એવી પદ્ધતિઓ પર વિચાર કરવામાં આવે તેવી અપેક્ષા છે, જેના દ્વારા વિદ્યાર્થીઓની વૈચારિક સમજ અને વ્યવહારુ વિષયોની સમજનું મૂલ્યાંકન કરી શકાય.

વિદ્યાર્થીઓ પર શું અસર પડી શકે છે?

જો CBSE મોટા પાયે ક્ષમતા આધારિત મૂલ્યાંકન લાગુ કરે છે, તો વિદ્યાર્થીઓએ પોતાની તૈયારીની પદ્ધતિમાં ફેરફાર કરવો પડી શકે છે. જે પ્રશ્નોમાં વૈચારિક સ્પષ્ટતા અને વ્યવહારુ સમજની કસોટી થાય છે, તેમાં માત્ર પુસ્તકોની વ્યાખ્યાઓ અને ગોખેલા જવાબો યાદ રાખવા પૂરતા નહીં રહે. તેમણે તે જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં કેવી રીતે ઉપયોગ થાય છે તે પણ લખવું પડશે.

16 ફેબ્રુઆરીથી શરૂ થશે CBSE બોર્ડ પરીક્ષાઓ

CBSE દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ 16 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ 16 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ સુધી ચાલશે.

ધોરણ 10ના વિદ્યાર્થીઓ 83 વિષયોની અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 121 વિષયોની પરીક્ષા આપશે. CBSEની પરીક્ષાઓ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ www.cbse.gov.in પર બોર્ડ પરીક્ષાનું ટાઇમટેબલ ચકાસી શકે છે. અહીં વિદ્યાર્થીઓ વિષય પ્રમાણે પરીક્ષાનું સમયપત્રક જોઈ શકે છે.

Share This Article