બ્રિટન (UK) ઉચ્ચ શિક્ષણ માટે વિશ્વના શ્રેષ્ઠ દેશોમાંનો એક ગણાય છે. અહીંની યુનિવર્સિટીઓમાં દર વર્ષે ભારત સહિત અનેક દેશોના હજારો વિદ્યાર્થીઓ ભણવા આવે છે. જોકે, ટ્યુશન ફીની વ્યવસ્થા તો થઈ જાય છે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓને ત્યાંના રહેવા-જમવાના ખર્ચ (Cost of Living) વિશે મૂંઝવણ હોય છે.
બ્રિટનમાં રહેવાનો ખર્ચ તમારા શહેર અને લાઈફસ્ટાઈલ પર આધાર રાખે છે. લંડન સૌથી મોંઘું શહેર છે, જ્યારે માન્ચેસ્ટર, બર્મિંગહામ અને ગ્લાસગો જેવા શહેરો પ્રમાણમાં સસ્તા છે.
રહેવા અને જમવાનો અંદાજિત ખર્ચ
વિદ્યાર્થીના બજેટનો સૌથી મોટો હિસ્સો રહેઠાણ (Accommodation) પાછળ જાય છે.
હોસ્ટેલ ફી: લંડનમાં સરેરાશ 848 પાઉન્ડ (આશરે ₹1 લાખ), જ્યારે અન્ય શહેરોમાં 664 પાઉન્ડ (આશરે ₹82 હજાર) હોઈ શકે છે.
ભાડાનું એપાર્ટમેન્ટ: નાના શહેરોમાં સિંગલ બેડરૂમનું ભાડું 600 થી 1800 પાઉન્ડ (₹74 હજાર થી 2.21 લાખ) અને લંડન જેવા શહેરોમાં 700 થી 2300 પાઉન્ડ (₹86 હજાર થી 2.83 લાખ) સુધી હોઈ શકે છે.
ખોરાક: લંડનમાં કરિયાણા અને જમવાનો ખર્ચ મહિને આશરે 155 પાઉન્ડ (₹19 હજાર) અને અન્ય શહેરોમાં 116 પાઉન્ડ (₹14 હજાર) જેટલો આવે છે.
યુટિલિટી અને અન્ય ખર્ચ
રહેઠાણ ઉપરાંત ગેસ, વીજળી અને પાણીના બિલ અલગથી ભરવાના હોય છે.
યુટિલિટી બિલ: વીજળી, પાણી અને હીટિંગનું બિલ મહિને 150 થી 425 પાઉન્ડ (₹18 હજાર થી 52 હજાર) હોઈ શકે છે.
ઇન્ટરનેટ અને મોબાઈલ: ઇન્ટરનેટ માટે આશરે 32 પાઉન્ડ (₹4000) અને મોબાઈલ બિલ 18 પાઉન્ડ (₹2200) જેટલું થાય છે.
ટ્રાન્સપોર્ટેશન (પરિવહન)
જો તમે કેમ્પસથી દૂર રહેતા હોવ તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો પડે છે. મોટાભાગની યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ પાસ આપે છે. ટ્રાન્સપોર્ટેશન પાસની કિંમત 54 થી 103 પાઉન્ડ (આશરે ₹6,600 થી ₹12,700) ની વચ્ચે હોય છે.

