નવી દિલ્હી, તા. 29 : સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અરાવિંદ કેજરીવાલને વધુ એક ઝટકો આપતાં વચગાળાના જામીન સાત દિવસ સુધી લંબાવવાની અરજીને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. હવે કેજરીવાલને 2 જૂને પાછા તિહાર જેલમાં જવું પડશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, કેજરીવાલને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાની છૂટ આપી છે, તેથી અરજી સ્વીકારવામાં આવી રહી નથી. ધરપકડને પડકારવા પર ફેંસલો પહેલાં જ સુરક્ષિત રાખી દેવાયો હોવાથી વચગાળાના જામીન લંબાવવાની અરજીનો મુખ્ય અરજી સામે કોઇ સંબંધ નથી, તેવું કોર્ટે કહ્યું હતું. કેજરીવાલને 10 મેના જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. તેને 2 જૂને તિહાર જેલમાં સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું. સોમવારે અરાવિંદ કેજરીવાલે પંજાબના લુધિયાણા અને જલંધરમાં રોડ શો કર્યો હતો. દિલ્હીની સ્થાનિક કોર્ટે 28 મેના કેજરીવાલ વિરુદ્ધ ઈડીની પૂરક ચાર્જશીટની નોંધ લેવાનો પોતાનો આદેશ 4 જૂન સુધી સુરક્ષિત રાખ્યો છે.
ઈડીએ 17 મેના રાઉઝ એવેન્યૂ કોર્ટમાં 18મી સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં કેજરીવાલ અને આપને આરોપી બનાવવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ સોમવારે દલીલ કરી હતી કે, તેમની ધરપકડ બાદ કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે અને તેમનું કીટોન લેવલ ઊંચું છે, જે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. `આપ’એ એમ પણ કહ્યું હતું કે, ડોક્ટરોએ કેજરીવાલને પોઝીટ્રોન એમિશન ટોમોગ્રાફી અને કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (પીઈટી-સીટી) સ્કેન અને અન્ય કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી, જેના કારણે તેમણે વચગાળાના જામીન લંબાવવાની માંગ કરી છે. જેલમાં હતા ત્યારે તેમનું સુગર લેવલ પણ સતત ચર્ચાનો વિષય બન્યું હતું. કેજરીવાલ અને તેમની પાર્ટીએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમને ઇન્સ્યુલિન આપવામાં આવી રહ્યું નથી. કેજરીવાલની સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં 7 વખત સુનાવણી થઈ ચૂકી છે.

