મહારાષ્ટ્રમાં મહાયુતિમાં બેઠક વહેંચણી પર સહમતી સધાઇ, ભાજપ 155 બેઠક પર લડશે

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 19 : મહારાષ્ટ્રમાં બેઠક વહેંચણી માટે દેશના ગૃહમંત્રી અમિત શાહનાં નિવાસસ્થાને ગઇકાલે શુક્રવારની મોડી રાત્રે ચાલેલી એનડીએના સાથી પક્ષોની બેઠકમાં ચિત્ર સ્પષ્ટ થયું હતું. ભાજપ 155, શિવસેના -શિંદે જૂથ 78 અને એનસીપી અજિત પવાર જૂથ 55 બેઠક પરથી પોતાના ઉમેદવાર ઉતારશે. આમ, મહાયુતિમાં બેઠક વહેંચણી પર સહમતી સધાઇ છે.કુલ 288 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે આ પક્ષો વચ્ચે શાહનાં નિવાસસ્થાને સહમતી સધાઇ હતી.

આ બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર સહિત નેતા સામેલ થયા હતા. હજુ કેટલીક બેઠકોના સંબંધમાં રહેલી ગૂંચ અમિત શાહ તરફથી નિર્દેશ બાદ રાજ્ય સ્તરે ઉકેલાશે, તેવું જાણવા મળ્યું હતું.

- Advertisement -

ભાજપે પ્રથમ દોરમાં 106 બેઠક માટેના ઉમેદવારોની યાદી જારી કરવાની તૈયારી કરી હતી, જેના પર દેવેન્દ્ર ફડણવીસ સહિત મોટા ચહેરા મેદાન પર ઉતારાશે. દરમ્યાન, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને મેદાનમાં ઉતારવા વિચારી રહી હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈમાં રાષ્ટ્રવાદીના અજિત પવાર જૂથને ત્રણ બેઠકો મળવાની શક્યતા છે, જેમાં અણુશક્તિ નગર, બાન્દ્રા (પૂર્વ) અને શિવાજીનગર માનખુર્દની બેઠકનો સમાવેશ થાય છે. મુંબઈમાં કુલ 36 બેઠકો છે, જે પૈકી ભાજપને 18 સીટ, શિવસેના શિંદે જૂથ 15 તો રાષ્ટ્રવાદી અજિત પવારને ત્રણ બેઠકો મળશે. મુંબઈમાં ભાજપમાં વર્તમાન ત્રણથી ચાર વિધાનસભ્યોની ટિકિટ કાપવામાં આવી શકે છે.

- Advertisement -
Share This Article