Cyber Crime: કેન્દ્ર સરકારે વિદેશથી ગેરકાયદે રીતે સંચાલિત ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મની 357 વેબસાઈટ અને URL (યુનિફોર્મ રિસોર્સ લોકેટર) બ્લોક કરી દીધા છે અને આવા 700 પ્લેટફોર્મ હાલમાં તપાસ હેઠળ છે.
ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ સામે તેની કાર્યવાહીને વધુ તીવ્ર બનાવો
ડિરેક્ટોરેટ જનરલ ઑફ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)એ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ સામે તેની કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. આ ગેરકાયદે કૃત્યમાં દેશી અને વિદેશી બંને ઓપરેટરો સામેલ છે. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ ટેક્સ છુપાવવા માટે રજિસ્ટ્રેશન વગર ગેરકાયદે રીતે ગેમ ચલાવી રહ્યાં છે અને GSTને પણ ટાળી રહ્યાં છે.
ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મ્સની વેબસાઈટ બ્લોક
ડીજીજીઆઈએ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના સહયોગથી આઈટી એક્ટ, 2000ની કલમ 69 હેઠળ વિદેશથી ગેરકાયદે રીતે કાર્યરત ઓનલાઈન મની ગેમિંગ પ્લેટફોર્મની વેબસાઈટને બ્લોક કરી દીધી છે. જીએસટી કાયદા હેઠળ ઑનલાઇન મની ગેમિંગને માલના સપ્લાય તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે અને તે 28 ટકાના દરે કરપાત્ર છે. આ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓએ GST હેઠળ નોંધણી કરાવવી જરૂરી છે.
બેંક ખાતાઓને નિશાન બનાવીને બ્લોક કર્યા
અહેવાલો અનુસાર, કેટલાક ગેરકાયદે ગેમિંગ પ્લેટફોર્મ્સ સામેની ઝુંબેશમાં DGGIએ આઈ4સી અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) સાથે મળીને યુઝર્સ પાસેથી નાણાં વસૂલવા માટે ઉપયોગમાં લેવાતા બેંક ખાતાઓને ટાર્ગેટ અને બ્લોક કર્યા છે. આ ઓપરેશનમાં લગભગ 2,000 બેંક ખાતા અને 4 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.