Deendayal Port Trust Kandala: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે કંડલા પોર્ટ કેમ બની ગયું આટલું ખાસ, ત્રણ દિવસમાં પહોંચશે 22 જહાજો

Arati Parmar
3 Min Read

Deendayal Port Trust Kandala: ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારત સહિત વિશ્વભરમાં શિપિંગ ઉદ્યોગને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એકલા હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતના આશરે 28 જહાજો ફસાયેલા છે. ભારત અને ઈરાન વચ્ચે આ સંકટને દૂર કરવા માટે સતત વાતચીત ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેજેશ્કિયન સાથે વાત કરી છે.

આ દરમિયાન ગુજરાતના કંડલા પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે તે માત્ર ત્રણ દિવસ અથવા 72 કલાકમાં 22 જહાજોને રિસીવ કરવા જઈ રહ્યું છે. નોંધનીય છે કે ઈરાને થાઈલેન્ડના જે જહાજ ‘મયુરી નારી’ પર હુમલો કર્યો હતો, તે પણ કંડલા જ આવી રહ્યું હતું.

- Advertisement -

કંડલા પોર્ટ પર 3 દિવસમાં આવશે 22 જહાજો

શુક્રવારે સવારે X (ટ્વિટર) ના માધ્યમથી કંડલા સ્થિત દીનદયાલ પોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, “દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા આવનારા જહાજોને હેન્ડલ કરવાની તૈયારી કરી રહ્યું છે… દરિયાઈ મુસાફરીને ફરીથી સમાયોજિત કરવા અને શ્રેષ્ઠ શક્ય ધોરણો મુજબ સેવાઓ પૂરી પાડવા માટે સિસ્ટમ અસરકારક રીતે કામ કરી રહી છે.”

ગુજરાતનું કંડલા બંદર ક્યાં આવેલું છે?

ભારતનું કંડલા બંદર કચ્છના અખાતમાં ગુજરાતના ઉત્તર-પશ્ચિમ કિનારે આવેલું છે. તે ભારતને મુખ્ય આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ દ્વારા પશ્ચિમ એશિયા, ખાડીના દેશો, યુરોપ અને આફ્રિકા સાથે જોડે છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને આવતા જહાજો માટે આ એક અનુકૂળ લોકેશન છે.

- Advertisement -

મધ્ય-પૂર્વ એશિયાથી કંડલા બંદર આવતા જહાજોનો સમય પણ બચે છે અને કાર્ગોનો ખર્ચ પણ ઘટે છે. પર્શિયન ગલ્ફથી જે જહાજો હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે, તે અવારનવાર કંડલામાં જ વિરામ લેતા હોય છે.

કંડલા બંદરની અન્ય વિશેષતાઓ

  • કંડલા એક ઉત્કૃષ્ટ રીતે વિકસિત અત્યાધુનિક બંદર છે.

  • આ પોર્ટ ભારતીય રેલવે, નેશનલ હાઈવે અને સીધી પાઈપલાઈન સાથે જોડાયેલું છે.

  • કંડલા પોર્ટ ‘કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન’ (KASEZ) ની નજીક છે.

  • તે ભારતના સૌથી જૂના એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોનમાં સામેલ છે.

  • તેની અસરકારક સ્ટોરેજ સુવિધાઓ, ઓઈલ ટર્મિનલ અને કાર્ગો હેન્ડલિંગના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અહીં મોટી માત્રામાં આવેલા કાર્ગોને મેનેજ કરવું સરળ છે. આ જ કારણ છે કે એકસાથે 22 જહાજોને હેન્ડલ કરવામાં તે સંપૂર્ણ સક્ષમ છે.

કંડલા પોર્ટ પરથી શું આયાત-નિકાસ થાય છે?

  • કંડલા પોર્ટની આસપાસ પેટ્રોકેમિકલ, ટેક્સટાઈલ અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગોનો મોટો વ્યાપ છે.

  • આ બંદર પરથી કાચું તેલ (Crude Oil) અને પેટ્રોલિયમ પદાર્થો, ખાતર, કેમિકલ અને મશીનરીની આયાત થાય છે.

  • અહીંથી ચોખા, મીઠું, ટેક્સટાઈલ, પેટ્રોલિયમ પદાર્થો અને કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે.

  • આ ભારતનું સૌથી વ્યસ્ત બંદરો પૈકીનું એક છે.

- Advertisement -
Share This Article