અમદાવાદ, તા. 7 : ગુજરાત એટીએસદ્વારા થોડા દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકામાં કારેલી ગામની એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ફેકટરીમાંથી એમડી ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યું હતું. જેની તપાસમાં વધુ બે આરોપીના નામ સામે આવ્યા હતા જેના પકડવાના બાકી હતા. આરોપીઓની શોધખોળ કરતા ગુજરાત એટીએસને આરોપીઓ દ્વારા મુંબઈમાં એમડી ડ્રગ્સ બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે પોલીસે મુંબઈથી બે આરોપીની ધરપકડ કરી 800 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.

સુરતની ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતા ત્રણ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછમાં સામે આવ્યું કે આ સમગ્ર કેસમાં મોહમ્મદ યુનુસ ઉર્ફે એજાજ અને મોહમ્મદ આદિલ પણ સામેલ હતા, જેથી ગુજરાતી એટીએસ બંને આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેની તપાસમાં ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે મુંબઈના ચીંચબંદર વિસ્તારમાં મોહંમદ યુનુસ તેનો ભાઈ મોહમ્મદ આદિલ ભિવંડી વિસ્તારમાં એક ફ્લેટમાં એમડી ડ્રગ્સ બનાવી રહ્યા છે. જે માહિતીના આધારે ગુજરાત એટીએસએ મુંબઈમાં દરોડો પાડી બંને ભાઈઓની ધરપકડ કરી છે. ફ્લેટમાંથી 10.969 કિલોગ્રામ સેમી લિક્વિડ એમડી અને અલગ અલગ બેરલોમાં ભરેલું 782.236 કિલોગ્રામ પ્રવાહી સ્વરૂપે એમડી મળી આવ્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 800 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત સમગ્ર ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતની વસ્તુઓ પણ મળી આવતાં સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમજ ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતા મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરાઇ છે.
ગુજરાત એટીએસદ્વારા પકડેલા બંને આરોપીઓની પૂછપરછ કરતાં સામે આવ્યું કે મહંમદ યુનુસ ઉર્ફે એજાજ દુબઈમાંથી સુવર્ણ અને ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુની દાણચોરીમાં જોડાયેલો છે. મોહંમદ યુનુસને દુબઈમાં એક વ્યક્તિ મળ્યો હતો જેની સાથે મળીને મોહમ્મદ યુનુસ અને મોહંમદ આદિલે ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા અને તેનું મોટા પ્રમાણમાં વેચાણ પણ કરતા હતા. બંને ભાઈઓએ એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટે છેલ્લા 8થી 9 મહિનાથી ભિવંડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ વિસ્તારમાં લોકોની અવર-જવર ઓછી હોવાથી ત્યાં તેને ફ્લેટ ભાડે રાખ્યો હતો અને એમડી ડ્રગ્સ તૈયાર કરતા હતા. ડ્રગ્સ તૈયાર કરવા માટે રો મટીરીયલ, સાધન સામગ્રી એકઠી કરી કેમિકલ પ્રોસેસ પણ કરવામાં આવી રહી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે કે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ સાથે ડ્રગ્સ બનાવવાના કેસમાં દુબઈનો એક વ્યક્તિ તો સંડોવાયેલો છે ઉપરાંત સાદિક નામનો વ્યક્તિ પણ સામેલ છે જે પોલીસ પકડથી દૂર છે. જોકે, હવે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે કે પકડાયેલા બંને ભાઈ કેટલા સમયથી ડ્રગ્સ બનાવતા હતા અને તેણે બનાવેલું ડ્રગ્સ કઈ કઈ જગ્યા ઉપર વેચાણ કરતા હતા તેમજ દુબઈના વ્યક્તિ સાથે કઈ પ્રમાણેની ડીલ થઈ હતી તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

