નવી દિલ્હી, તા. 27 : જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સહમત થઇ ગઇ છે. નવેમ્બરનાં અંતિમ અઠવાડિયાંમાં શરૂ થતાં સંસદનાં શિયાળુ સત્રમાં આ અંગે પ્રસ્તાવ લવાશે. બીજી તરફ, લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ જ રહેશે. કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે ચાર દિવસ પહેલાં 23મી ઓક્ટોબરના ગૃહમંત્રી અમિત શાહ અને તેના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાતાક લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન ઓમરે આગ્રહ કરતાં તેમને ચાલુ વર્ષે જ કાશ્મીરને પુન: પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવાનું આશ્વાસન મળ્યું હતું. ચૂંટણી બાદ કાશ્મીરમાં રચાયેલી સરકારની પહેલી જ કેબિનેટ બેઠકમાં રાજ્યનો દરજ્જો બહાલ કરવા અંગેનો પ્રસ્તાવ પસાર કરી, ઉપરાજ્યપાલને મોકલાયો હતો. ઉપરાજ્યપાલ (એલજી) મનોજસિંહાએ 19મી ઓકટોબરનો પ્રસ્તાવ મંજૂર કરીને દેશના ગૃહ મંત્રાલયને મોકલી આપ્યો હતો. વર્ષ 2019માં કલમ 370 અને 35-એ હટાવતી વખતે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા હતા. કેન્દ્ર સરકારે તે વખતે જ રાજ્યની સ્થિતિ સામાન્ય થઇ જાય એટલે તરત કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવાનો ભરોસો અપાવ્યો હતો.
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે આ અંગે વચન આપ્યું હતું. હવે સંસદમાં એક કાયદો પસાર કરી, બંધારણની કલમ 3 અને 4 હેઠળ પુનર્ગઠન અધિનિયમમાં બદલાવ કરવો પડશે. સંસદના બન્ને ગૃહમાં મંજૂરી પછી રાષ્ટ્રપતિ પાસે મોકલાશે. રાષ્ટ્રપતિ મંજૂરી આપી દે એટલે કાશ્મીર પૂર્ણ રાજ્ય બની જશે. ઉલ્લેખનીય છે કે, શાહ અને મોદી સાથે બેઠક બાદ મુખ્યમંત્રી એ કહ્યું હતું કે રાજ્યનો દરજ્જો બહાલ કરવા મામલે પણ ચર્ચા થઈ છે. જમ્મુ-કાશ્મીર ર019થી કેન્દ્ર શાસિત પ્રદેશ છે અને અહીંની પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નેજા હેઠળ આવે છે. સૂત્રો અનુસાર રાજ્યનો દરજ્જો બહાલ કરવો એ સુધાર પ્રક્રિયાની શરૂઆત હશે જેથી બંધારણિય અધિકાર પુન: બહાલ થશે અને જમ્મુ-કાશ્મીરના લોકોની ઓળખની રક્ષા થશે.

