છૂટક મોંઘવારી 10 મહિનાના તળીયે

newzcafe
2 Min Read

મોંઘવારી ઘટાડવામાં સરકારના પ્રયાસો અસરકારક રહ્યા છે.


નવી દિલ્હી, તા. 12 : મોંઘવારીના મોરચે જનતાને મોટી રાહત મળી છે. સાથે જ સરકારના પ્રયાસો પણ અસરકારક રહ્યા છે. માર્ચ મહિનામાં છૂટક મોંઘવી 10 મહિનાના સૌથી નીચેના સ્તરે પહોંચી છે. ખાણીપીણીની વસ્તુઓ સસ્તી થવાના કારણે છૂટક મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે. 


 


નેશનલ સ્ટેટિકલ ઓફિસ (એનએસઓ) તરફથી શુક્રવારના રોજ જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છૂટક મોંઘવારી દર માર્ચ મહિનામાં ઘટીને 4.85 ટકાએ આવી ગયો છે. આ પહેલા ફેબ્રુઆરીમાં દર 5.09 ટકા હતો. માર્ચ મહિનામાં ખાદ્ય મોંઘવારી દર 8.66 ટકાથી ઘટીને 8.52 ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત શાકભાજી અને દાળની કિંમતમાં પણ ઘટાડો આવ્યો છે. 


 


ગયા મહિને બૂટ ચપ્પલની કિંમતમાં પણ કમી આવી હતી. તાજા આંકડા અનુસાર માર્ચમાં શહેરી મોંઘવારી દર 4.78 ટકાથી ઘટીને 4.14 ટકા રહ્યો છે. જ્યારે ગ્રામીણ મોંઘવારી દરમાં વૃદ્ધિ થઈ છે. ગ્રામીણ મોંઘવારી દર ફેબ્રુઆરીના 5.34 ટકાથી વધીને માર્ચમાં 5.45 ટકા થયો છે. માર્ચ મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 28.34 ટકા નોંધાયો છે. જે ફેબ્રુઆરી મહિનામાં 30.25 ટકા હતો. 


 


જ્યારે દાળનો મોંઘવારી દર ફેબ્રુઆરીના 18.90 ટકાથી ઘટીને 17.1 ટકા થયો છે. ઉલ્લેખનિય છે કે, કંઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ (સીપીઆઈ) આધારીત મોંઘવારીને કાબુ કરવા માટે ભારતીય રિઝર્વ બેંક દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વર્તમાન સમયે છૂટક મોંઘવારી દર આરબીઆઈના ટાર્ગેટના દાયરામાં છે. આરબીઆઈએ છૂટક મોંઘવારી દરને 4 ટકા રાખવા નિર્ણય કર્યો છે. જેમાં બે ટકા ઉપર અને નીચેનો દાયરો રખાયો છે. એટલે કે છૂટક મોંઘવારી દરને 2થી 6 ટકા વચ્ચે રાખવાની કોશિશ રહેશે. 

Share This Article