India SHANTI Bill: શું પરમાણુ પ્લાન્ટ સુરક્ષિત રહેશે? વિપક્ષનો હોબાળો અને સરકારની ગેરંટી, જાણો અકસ્માત સમયે કોની રહેશે જવાબદારી અને કેટલું મળશે વળતર

Arati Parmar
3 Min Read

India SHANTI Bill: ભારતની ઊર્જા નીતિમાં મોટો અને દૂરોગામી ફેરફાર લાવનાર સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (SHANTI) બિલ સંસદમાંથી પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે. સરકારનો દાવો છે કે આ કાયદો ભારતને સ્વચ્છ, ભરોસાપાત્ર અને આત્મનિર્ભર ઊર્જા વ્યવસ્થા તરફ લઈ જશે અને 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરવાનો રસ્તો ખોલશે.

હાલમાં દેશની કુલ પરમાણુ ક્ષમતાથી ઊર્જા બનાવવાની ક્ષમતા 8.75 ગીગાવોટ છે, જે કુલ વીજ ઉત્પાદનના અંદાજે 3% જ છે. જ્યારે 60% થી વધુ વીજળી આજે પણ કોલસાથી બને છે. ભારત પાસે દુનિયાનો અંદાજે 25% થોરિયમ ભંડાર છે.

- Advertisement -

સંસદમાં બિલ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું કે અમે સુરક્ષા, સંરક્ષણ અને નિયમન સાથે કોઈ બાંધછોડ કરી નથી, પરંતુ તેને વધુ મજબૂત બનાવ્યા છે. પરમાણુ ઊર્જા માત્ર વીજળી સુધી મર્યાદિત નથી. કેન્સરની સારવાર, કૃષિ, ઉદ્યોગ અને સંશોધન જેવા ક્ષેત્રોમાં પરમાણુ અને રેડિયેશન ટેકનોલોજીની ભૂમિકા સતત વધી રહી છે.

ન્યુક્લિયર એનર્જીમાં નવું શું થયું?

અત્યાર સુધી પરમાણુ ઊર્જા ઉત્પાદનનો અધિકાર માત્ર કેન્દ્ર અને તેની કંપનીઓ સુધી મર્યાદિત હતો. SHANTI બિલથી પહેલીવાર ખાનગી ભારતીય કંપનીઓ, જેવી કે અદાણી, L&T અને ટાટા પાવર સરકાર પાસેથી લાઈસન્સ લઈને પરમાણુ પ્લાન્ટ ચલાવી શકશે. ડેલોઈટ ઈન્ડિયાના પાર્ટનર અનુજેશ દ્વિવેદીએ કહ્યું કે, 2047 સુધીમાં 100 ગીગાવોટ માટે મોટા સુધારા જરૂરી હતા, જેને આ નવો કાયદો સરળ બનાવે છે.

- Advertisement -

સરકારના નિયંત્રણમાં શું?

પરમાણુ સામગ્રી અને રણનીતિક પ્રવૃત્તિઓ પર સરકારનું નિયંત્રણ સંપૂર્ણપણે અકબંધ રહેશે. યુરેનિયમ અને થોરિયમનું ખનન માત્ર સરકારી અથવા સરકારી નિયંત્રણવાળી કંપનીઓ જ કરશે. વપરાયેલું પરમાણુ બળતણ (fuel) નક્કી કરેલી અવધિ સુધી ઠંડુ કર્યા પછી સરકારને સોંપવું જરૂરી રહેશે. યુરેનિયમ સંવર્ધન, વપરાયેલા બળતણનું રિસાયક્લિંગ અને ઉચ્ચ-સ્તરીય એટોમિક વેસ્ટનું મેનેજમેન્ટ પણ સરકાર જ કરશે.

અકસ્માત પર કોની જવાબદારી?

અકસ્માતમાં પ્લાન્ટ સંચાલક વળતર માટે જવાબદાર રહેશે અને દરેક ઘટના માટે વળતરની મર્યાદા 300 મિલિયન સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) નક્કી કરવામાં આવી છે. આનાથી વધુ નુકસાન થવા પર કેન્દ્ર સરકાર આગળ આવશે અને ન્યુક્લિયર લાયબિલિટી ફંડમાંથી ચૂકવણી કરવામાં આવશે. યુદ્ધ, આતંકવાદ અથવા અત્યંત અસાધારણ કુદરતી આપત્તિઓની સ્થિતિમાં સંચાલકને છૂટ આપવામાં આવી છે.

- Advertisement -

રેગ્યુલેટરી બોર્ડની ભૂમિકા શું રહેશે?

એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ એક સ્પષ્ટ કાયદાના આધારે કામ કરશે. આ હેઠળ તે પરમાણુ અને રેડિયેશન સાથે જોડાયેલી સુવિધાઓનું નિરીક્ષણ કરી શકે છે, ઘટનાઓની તપાસ કરી શકે છે, પાલન કરવાના અનિવાર્ય નિર્દેશો જારી કરી શકે છે અને સુરક્ષાના માપદંડો પર ખરી ન ઉતરતી સંસ્થાઓનું સંચાલન રદ કરી શકે છે.

વિપક્ષનો વિરોધ કેમ છે?

કોંગ્રેસ નેતા શશિ થરૂરે ખાનગી કંપનીઓની એન્ટ્રી પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે નફાની વિચારધારા ક્યાંક સુરક્ષા માપદંડોને નબળા ન કરી દે. સરકારે કહ્યું કે, કડક નિયમો, લાઈસન્સ પ્રણાલી અને સરકારી નિયંત્રણ કોઈ પણ પ્રકારના જોખમને ન્યૂનતમ રાખશે.

Share This Article