પહેલી ટી-20 મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ ભારતનો 7 વિકેટે વિજય

Reena Brahmbhatt
2 Min Read

ગ્વાલિયર, તા. 6 : પહેલાં બોલરોના સહિયારા દેખાવ અને બાદમાં હાર્દિક પંડયાની આક્રમક ફટકાબાજીથી પહેલી ટી-20 મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ ભારતનો 7 વિકેટે વિજય થયો હતો. જીત સાથે ટીમ ઇન્ડિયા 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ થઇ છે. ભારતીય ટીમે 128 રનનો સામાન્ય વિજય લક્ષ્યાંક 49 દડા બાકી રાખીને 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતે ફકત 11.પ ઓવરમાં 3 વિકેટે 132 રન કરી આક્રમક બેટિંગ કરી હતી. હાર્દિક પંડયા માત્ર 16 દડામાં પ ચોગ્ગા અને 2 છગ્ગાથી 39 રને નોટઆઉટ રહ્યો હતો.

t 20 women cricket

- Advertisement -

જ્યારે 14 રનમાં 3 વિકેટ લેનાર અર્શદિપ સિંઘ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો હતો. 128 રનના વિજય લક્ષ્યનો પીછો કરતાં ભારતે પહેલી વિકેટ અભિષેક શર્માની ગુમાવી હતી. તેણે 7 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી 16 રનની કેમિયો ઇનિંગ રમી હતી. તે રનઆઉટ થયો હતો. કપ્તાન સૂર્યકુમારે 14 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી 29 રનની આતશી ઈનિંગ રમી હતી. ઓપનિંગમાં આવેલો સંજૂ સેમસન 19 દડામાં 6 ચોગ્ગાથી 29 રને આઉટ થયો હતો. ડેબ્યૂ મેચમાં નીતિશ રેડ્ડી 16 રને નોટઆઉટ રહ્યો હતો. બાંગલાદેશના તમામ બોલર ધોવાયા હતા. મુસ્તાફિઝુર અને મિરાઝને 1-1 વિકેટ મળી હતી.

અગાઉ ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. કપ્તાન સૂર્યકુમાર યાદવનો આ નિર્ણય યથાર્થ ઠેરવીને ભારતીય બોલરોએ ઘાતક બોલિંગ કરી હતી. બાંગલાદેશ ટીમ 19.પ ઓવરમાં 127 રનના સામાન્ય સ્કોર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ઝડપી બોલર અર્શદિપ અને વાપસી કરનાર સ્પિનર વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી હતી. ડેબ્યૂ મેચમાં સ્પીડસ્ટાર મયંક યાદવ, હાર્દિક પંડયા અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી. બાંગલાદેશ તરફથી સૌથી વધુ અણનમ 3પ રન ઓલરાઉન્ડર મહેંદી હસન મિરાજે કર્યાં હતા. તેણે 32 દડાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યાં હતા. જ્યારે કપ્તાન નઝમૂલ શાંતોએ 2પ દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગાથી 27 રન કર્યાં હતા. બાકીના બાંગલા બેટધરો ભારતની બોલિંગ સામે ઘૂંટણિયે પડી ગયા હતા. અનુભવી મહમદુલ્લા 1 અને લિટન દાસ 4 રને આઉટ થયા હતા.

- Advertisement -
Share This Article