આજે રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું,

newzcafe
3 Min Read

રૂપાલા મામલે ક્ષત્રિયોનું ભાજપને અલ્ટીમેટમ


રાજકોટ, તા. 14  : રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલાં વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠયો છે. એક તરફ રૂપાલા ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માગણી સાથે રાજ્યભરમાં ક્ષત્રિયોમાં વિરોધ આજે સૈલાબમાં પલટાઈ ગયો હતો. 


 


આજે રતનપર ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈ-બહેનો ઊમટી પડયાં હતાં. સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ એકસૂરમાં જણાવ્યું હતું કે, રૂપાલા પાસે તા. 19 સુધીનો સમય છે. કારણ કે, એ દિવસે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. 


 


જો રૂપાલા ફોર્મ પરત નહીં ખેંચે તો અમે અમારાં આંદોલનના બીજા તબક્કામાં પ્રવેશીશું અને ગાંધીનગરને ગજવીશું તેમજ ભાજપના તમામ કાર્યક્રમોનો બહિષ્કાર કરીશું, તેવા શપથ લેવામાં આવ્યા હતા. સંમેલનને સંબોધતા રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાએ જણાવ્યું હતું કે, છેલ્લાં 75 વર્ષોમાં રાજપૂત સમાજની મોટી-મોટી સંસ્થાઓ જે ન કરી શકી તે કામ રૂપાલાના એક શબ્દએ કરી દેખાડયું છે. રૂપાલા જાણતા ન હતા કે, રાજપૂતો પરની ટિપ્પણીથી એક મિનિટમાં અહીં લાખોની સંખ્યામાં વગર આમંત્રણે સમગ્ર દેશમાંથી રાજપૂતો ઉમટી પડશે. મકરાણાએ ઉમેર્યું હતું કે, મારે પ્રશાસન સાથે કોઈ જ વેરઝેર નથી છતાં છેલ્લાં એક સપ્તાહથી મારી પાછળ એ રીતે પડયું છે જાણે હું કોઈ આતંકવાદી હોઉં. મકરાણાએ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો ભાજપના તમામ કાર્યક્રમો અને ઉમેદવારોનો બહિષ્કાર કરવા ઉપસ્થિત જનમેદની સમક્ષ શપથ લેવડાવ્યા હતા.  રાજપૂત સમાજ સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ઘોડો મા શક્તિના આશીર્વાદ લઈ સુરેન્દ્રનગરથી દોડયો છે, ત્યાંથી જામનગર અને ભાવનગર અને ત્યાંથી ફરતો ફરતો ધંધુકા આવ્યો ત્યાંથી પાટણ, હિંમતનગર, ભરૂચ થઈને આજે રાજકોટ પહોંચ્યો છે. 


 


જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આ ઘોડો ગાંધીનગર સુધી પહોંચશે. કોઈની તાકાત હોય તો એ ઘોડાને બાંધી દેખાડે. સંકલન સમિતિના આગેવાન રમજુભા જાડેજાએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતું કે, આ એક સામાજિક લડત છે તેની પાછળ કોઈનો દોરીસંચાર નથી તેમજ તેમાં કોઈ રાજકારણ પણ નથી. મધ્યપ્રદેશથી આવેલા કરણી સેનાના અગ્રણી જીવણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, અમે આ સંમેલનમાં હાજરી આપવા માટે આવ્યા ત્યારે અમારી સાથે રસ્તામાં એ રીતે વર્તન કરવામાં આવ્યું જાણે અમે કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલા છીએ. ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજે જે એકતા જાળવી રાખી છે તેને જાળવી રાખજો. ક્ષત્રિયાણીઓ જો વટે ચડે તો મરે અથવા તો મારે. સંમેલનમાં ક્ષત્રિય સમાજના અન્ય અગ્રણીઓ પી.ટી. જાડેજા, ગિરિરાજસિંહ વાઘેલા, જયેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ, કિશોરસિંહ વગેરેએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, આ સંમેલન લોકશાહી ઢબે, કાયદાની મર્યાદામાં શિસ્તતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યું હોઈ રાજકીય પક્ષો સાથે જોડાયેલા ક્ષત્રિય અગ્રણી રાજ શેખાવત, યુવરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિ હોવા છતાં તેઓને મંચ આપવામાં આવ્યો ન હતો. 

Share This Article