Mallikarjun Kharge BJP Protest: મલ્લિકાર્જુન ખડગેના ‘બાપ પણ જશે’ એવા નિવેદનને લઈને BJPના કાર્યકરોએ તેમના નિવાસસ્થાનની બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા. ઉલ્લેખનીય છે કે તેમણે PM મોદી અંગે કથિત વાંધાજનક નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની કથિત અપમાનજનક ટિપ્પણીઓને લઈને દિલ્હી BJPએ સોમવારે તેમના નિવાસસ્થાન નજીક વિરોધ પ્રદર્શન કર્યું. જ્યારે પ્રદર્શનકારીઓએ સેનાભવન ગોળચક્કરથી રાજાજી માર્ગ પર આવેલા ખડગેના નિવાસસ્થાન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે તેમને અટકાવ્યા. પ્રદર્શન દરમિયાન BJPના કાર્યકરોએ ખડગે પાસે બિનશરતી માફીની માગણી કરી.
અપમાનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા.
દિલ્હી BJPના નેતાઓ અને કાર્યકરોએ કથિત અપમાનના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા અને ખડગે તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી. પટનામાં એક કાર્યક્રમ દરમિયાન PM મોદી વિરુદ્ધ ખડગે દ્વારા કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને BJPએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.
SIRને લઈને આપ્યું હતું નિવેદન.
બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રીકૃષ્ણ સિંહની 139મી જન્મજયંતી નિમિત્તે રવિવારે આયોજિત કાર્યક્રમમાં ખડગેએ કહ્યું હતું કે કોંગ્રેસ ‘વિશેષ સઘન પુનરીક્ષણ’ (SIR) પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓ આચરનારાઓને જેલમાં મોકલશે.
‘બાપ પણ જશે’ એવા નિવેદનનો વિરોધ.
ખડગેના ભાષણ દરમિયાન શ્રોતાઓમાંથી એક વ્યક્તિએ તેમના ભાષણમાં વિક્ષેપ પાડ્યો અને બૂમ પાડીને કહ્યું, ‘મોદી ક્યાંય નહીં જાય.’ તેના જવાબમાં ખડગેએ મંચ પરથી કથિત રીતે કહ્યું, ‘મોદીનો બાપ પણ જશે, બાપ પણ જશે.’

