Manipur Biren Singh Assam Agniveer: મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી બીરેન સિંહે સત્તા પરથી પોતાની હકાલપટ્ટી માટે આંતરિક કાવતરાનો આરોપ મૂક્યો

Arati Parmar
7 Min Read

Manipur Biren Singh Assam Agniveer: મણિપુરના પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહે રાજ્ય BJPના નેતૃત્વના કેટલાક નેતાઓ પર કોંગ્રેસ સાથે મળીને તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાનું કાવતરું રચવાનો આરોપ મૂક્યો છે. તેમણે ફેબ્રુઆરી 2025માં પોતાના રાજીનામા બાદ પણ રાજ્યમાં ચાલુ રહેલી હિંસા પર સવાલ ઉઠાવ્યા છે.

એક ઇન્ટરવ્યૂમાં સિંહે કહ્યું કે આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં BJP સરકારે લોકોનો ગુમાવેલો ભરોસો અને વિશ્વાસ ફરીથી મેળવવા માટે તાત્કાલિક કામ કરવું જોઈએ. તેમણે એવો દાવો પણ કર્યો કે જનતા વચ્ચે તેમને ફરીથી મુખ્યમંત્રી બનાવવાની મજબૂત માગણી છે.

- Advertisement -

નોંધનીય છે કે 9 ફેબ્રુઆરી, 2025ના રોજ તેમનું રાજીનામું એવા સમયે આવ્યું હતું, જ્યારે સત્તાધારી પક્ષની અંદર અસંતોષ વધી રહ્યો હતો અને કોંગ્રેસ તરફથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું જોખમ ઊભું થયું હતું. તેમના મંત્રીમંડળમાં મંત્રી રહેલા વાય. ખેમચંદ સિંહ એવા વરિષ્ઠ BJP નેતાઓમાં સામેલ હતા, જેમણે કથિત રીતે કેન્દ્રીય નેતૃત્વને ચેતવણી આપી હતી કે જો સિંહને બદલવામાં નહીં આવે, તો સરકાર પડી શકે છે.

વાય. ખેમચંદ સિંહના નેતૃત્વવાળી વર્તમાન સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં કાર્યભાર સંભાળ્યો હતો.

- Advertisement -

સિંહે કહ્યું, ‘2017થી જ મારી સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો નથી. હું દિલ્હીનું નેતૃત્વ કરી રહેલા લોકો પર આરોપ લગાવી રહ્યો નથી, પરંતુ રાજ્યના કેટલાક નેતાઓની વાત કરી રહ્યો છું, જેમણે કોંગ્રેસ સાથે મળીને મારી વિરુદ્ધ કાવતરું રચ્યું હતું.’

તેમણે આરોપ મૂક્યો કે પક્ષના કેટલાક સાથી નેતાઓ આ વાતથી નારાજ હતા કે કોંગ્રેસ છોડીને BJPમાં આવ્યા હોવા છતાં તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

- Advertisement -

તેમણે કહ્યું, ‘કેટલાક ધારાસભ્યો ક્યારેય એ સ્વીકારી શક્યા નહીં કે કોંગ્રેસમાંથી BJPમાં આવ્યા બાદ હું બે વખત મુખ્યમંત્રી કેવી રીતે બની ગયો. તેઓ BJPને પોતાની ખાનગી સંપત્તિ માને છે. તેથી તેમણે કાવતરું રચ્યું, યોજના બનાવી અને મને રાજીનામું આપવા માટે મજબૂર કર્યો.’

સિંહે એ દલીલ પર પણ સવાલ ઉઠાવ્યો કે તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવાથી રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે મેઇતેઈ, કુકી અને નાગા સમુદાયો વચ્ચે અથડામણો હજુ પણ ચાલુ છે.

બીરેન સિંહે કહ્યું, ‘હવે બીરેન સત્તામાં નથી. તો હવે શું થયું? કેટલા નાગા ભાઈઓનાં મોત થયાં છે? તેઓ મને દોષી ઠેરવતા હતા. તેઓ કહેતા હતા કે હું બહુમતી સમુદાયનો પક્ષ લઉં છું. હવે ખ્રિસ્તીઓ સામે ખ્રિસ્તીઓની લડાઈ થઈ રહી છે. યુરોપિયન યુનિયન હવે ક્યાં ગયું?’

જુલાઈ 2023માં યુરોપિયન સંસદે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં મણિપુરમાં વંશીય હિંસા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે ભારતના અધિકારીઓને ધાર્મિક લઘુમતીઓનું રક્ષણ કરવા, હિંસા બંધ કરાવવા અને સ્વતંત્ર તપાસ કરાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

BJP પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત ઘટી રહ્યો હોવા અંગે ચિંતા વ્યક્ત કરતાં સિંહે એવા મુદ્દાઓ પર પણ સવાલ ઉઠાવ્યા, જે તેમના મુખ્યમંત્રી રહેવા દરમિયાન સરકારની કામગીરીનો મુખ્ય ભાગ હતા. તેમાં માદક પદાર્થો (ડ્રગ્સ) વિરુદ્ધ અભિયાન અને ગેરકાયદે ઘૂસણખોરી વિરુદ્ધની કાર્યવાહીનો સમાવેશ થાય છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું લોકોમાં વધી રહેલી નારાજગી ચૂંટણીમાં BJPને નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે તેમણે કહ્યું, ‘આ મારી સૌથી મોટી ચિંતા છે.’

તેમણે કહ્યું, ‘ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન, અફીણની ગેરકાયદે ખેતી વિરુદ્ધનું અભિયાન હવે દેખાતું નથી. સરકારે શંકાસ્પદ ગેરકાયદે સ્થળાંતરિત લોકોની બાયોમેટ્રિક ઓળખની પ્રક્રિયા પણ ચાલુ રાખવી જોઈએ. ઓછામાં ઓછું તેમની ઓળખ તો કરો. અને જો તમે ગેરકાયદે સ્થળાંતરિત લોકોને પાછા મોકલી શકતા નથી, તો ઓછામાં ઓછું તેમને શિબિરોમાં રાખી શકો છો. અમે જે કામ શરૂ કર્યું હતું, તેને ચાલુ રાખો. ભવિષ્યને બચાવો. આપણે આપણું ભવિષ્ય બચાવવું પડશે.’

વર્તમાન સરકારની કામગીરીની ટીકા કરવા અને પોતાના પદ પરથી હટાવવામાં આવેલા સંજોગોનો ઉલ્લેખ કરવા છતાં સિંહે BJP ફરીથી સત્તામાં આવે તેનું જોરદાર સમર્થન કર્યું.

તેમણે કહ્યું, ‘જો તમે મણિપુરને બચાવવા માગો છો, જો તમે મણિપુરનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માગો છો, તો તેનો એકમાત્ર રસ્તો BJPને ફરીથી સત્તામાં લાવવાનો છે.’

અસમ સરકારે કેટલીક સરકારી જગ્યાઓ પર પૂર્વ અગ્નિવીરો માટે 12 ટકા અનામતને મંજૂરી આપી

અસમ સરકારે મુખ્ય વિભાગોની કેટલીક સરકારી જગ્યાઓ પર પાત્ર પૂર્વ અગ્નિવીરો માટે 12 ટકા અનામતને મંજૂરી આપી છે. આ અંતર્ગત 2027થી દર વર્ષે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ પગલાનો હેતુ પૂર્વ અગ્નિવીરોની સેવાનું સન્માન કરવું અને ભારતીય સશસ્ત્ર દળોમાં સેવા આપી ચૂકેલા લોકો માટે રોજગારની નવી તકો ઊભી કરવાનો છે.

તેમણે કહ્યું, ‘આ તેમની સેવાને માન્યતા આપવા, શિસ્તનું સન્માન કરવા અને જેઓ તેના હકદાર છે તેમના માટે તકો ઊભી કરવા વિશે છે.’

ઇન્ડિયા ટુડે નોર્થઇસ્ટના અહેવાલ મુજબ, અસમ દ્વારા જાહેર કરવામાં આવેલી એક સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય 4 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલી અસમ કેબિનેટની બેઠક બાદ લેવામાં આવ્યો છે. આ અનામત નિર્ધારિત જગ્યાઓ પર થતી સીધી ભરતીમાં લાગુ થશે અને દર વર્ષે યોજાતી ભરતી પ્રક્રિયાઓ દ્વારા તેનો અમલ કરવામાં આવશે.

આનો લાભ એવા પાત્ર પૂર્વ અગ્નિવીરોને મળશે, જેઓ અસમના કાયમી રહેવાસી છે, જેમની ભરતી ‘અગ્નિપથ યોજના’ હેઠળ કરવામાં આવી હતી અને જેમણે ભારતીય ભૂમિસેના, નૌકાદળ અથવા વાયુસેનામાં પોતાનો સંપૂર્ણ ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે. અરજદારો પાસે સેવામાંથી મુક્ત થતી વખતે આપવામાં આવેલું સત્તાવાર ‘અગ્નિવીર પ્રમાણપત્ર’ હોવું પણ જરૂરી છે.

આ અનામત અસમ પોલીસ, વન વિભાગ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), જેલ વિભાગ, હોમ ગાર્ડ અને આબકારી વિભાગ સહિતના અનેક વિભાગોની કેટલીક વિશિષ્ટ જગ્યાઓ પર લાગુ થશે.

સૂચનામાં પાત્ર પૂર્વ અગ્નિવીરોની ભરતી અને અનામત માટેની રૂપરેખા આપવામાં આવી છે. કઈ વિશિષ્ટ જગ્યાઓ પર આ અનામત લાગુ થશે, ભરતીનું સમયપત્રક શું હશે અને અરજી કેવી રીતે કરવાની રહેશે, આ તમામ બાબતોની વિસ્તૃત માહિતી સંબંધિત માર્ગદર્શિકા અનુસાર નક્કી કરવામાં આવશે.

રાજ્ય સરકારે કહ્યું કે આ પહેલનો હેતુ પૂર્વ અગ્નિવીરોની શિસ્ત, અનુભવ અને સેવાને માન્યતા આપવાનો છે. સાથે જ તેમને અસમની જાહેર સેવાઓમાં યોગદાન આપવા માટે વધુ તકો પૂરી પાડવાનો પણ છે.

‘અગ્નિપથ યોજના’ કેન્દ્ર સરકાર દ્વારા 2022માં શરૂ કરવામાં આવેલી ટૂંકા ગાળાની સૈન્ય યોજના છે. તેના દ્વારા સશસ્ત્ર દળોની ત્રણેય શાખાઓમાં કમિશન્ડ અધિકારીઓથી નીચેના રેન્કના સૈનિકોની ભરતી કરવામાં આવે છે.

Share This Article