પટના, તા. 13 : પીએમ મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ હતો. પીએમ મોદી પટના શહેરમાં આવેલા તખ્તશ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા. અહીં તેમણે ગુરુદ્વારામાં દર્શનની સાથે-સાથે અરદાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. પીએમએ પટના સાહિબ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું.

આ પછી પીએમ લંગરવાળા વિસ્તારમાં ગયા હતા, ત્યાં તેમણે ભોજન બનાવ્યું. વડાપ્રધાને રોટલી પણ વણી હતી. સાથે જ લંગરમાં બેઠેલા લોકોને મોદીએ પોતાના હાથે ભોજન પીરસ્યું હતું. પીએમએ માથા પર પાઘડી પહેરી હતી, તેઓ લગભગ 20 મિનિટ સુધી ગુરુદ્વારામાં રહ્યા. રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હાજર હતા. આ પહેલીવાર છે જ્યારે કોઈ પીએમ પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.
