નવી દિલ્હી, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડના ઘરે જઇને ગણેશપૂજનમાં ભાગ લેતાં ગુરુવારે આ મામલે ભીષણ રાજકીય ઘમસાણ સર્જાયું હતું. વિપક્ષના નેતાઓએ ન્યાયપાલિકાની સ્વતંત્રતા અને પારદર્શકતા આવી મુલાકાતોથી ખતરામાં પડવાની ભીતિ વ્યકત કરી હતી. પલટવાર કરતાં કેસરિયા પક્ષે વિપક્ષ પર બેવડા માપદંડના આરોપ સાથે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે 2009માં પોતાના ઘર પર યોજેલી ઇફતાર પાર્ટીની જૂની તસવીર શેર કરી હતી, જેમાં તે વખતના દેશના મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલકૃષ્ણન પણ સામેલ થયા હતા. વિપક્ષે એવી ટિપ્પણી કરી હતી કે, રાજકીય નેતાઓ અને બંધારણીય પદો પર બેઠેલા લોકો વચ્ચે આવી મુલાકાતો ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર અસર કરી શકે છે. શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, જ્યારે બંધારણના રક્ષકો આવી રીતે રાજકીય નેતાઓને મળે છે, ત્યારે ન્યાયપાલિકાની તટસ્થા પર સંદેશ થાય છે.
મહારાષ્ટ્ર સરકાર સાથે જોડાયેલા મામલાની સુનાવણી મુખ્ય ન્યાયમૂર્તિના વડપણવાળી ખંડપીઠ કરી રહી છે, ત્યારે રાઉતે કહ્યું કે, મુખ્ય ન્યાયમૂર્તિએ આ મામલાથી ખુદને અલગ કરી દેવા જોઈએ. રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, તહેવાર સમાપ્ત થયા પછી મુખ્ય ન્યાયમૂર્તિ મહારાષ્ટ્ર પર જલદી ફેંસલો લેશે, તેવી આશા છે. વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, આવી અંગત મુલાકાતો ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે ખતરો છે.

રાજદ નેતા અને રાજ્યસભાના સાંસદ મનોજ ઝાએ જણાવ્યું હતું કે, ગણેશપૂજા કરવી એ તેમનો અંગત વિષય છે, પરંતુ કેમેરા સામે આમ કરવું ઉચિત નથી. મોટા પદ ઉપર બિરાજમાન બંને વ્યકિતએ જાહેરમાં તસવીરો દર્શાવી છે જે યોગ્ય નથી. ભાજપના પ્રવક્તા શહેઝાદ પુનાવાલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2009માં વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીમાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ કે.જી. બાલકૃષ્ણને હાજરી આપી હતી. ગણેશપૂજામાં કોઇને પણ ત્યાં જોડાવવું એ ગુનો નથી. અનેક કાર્યક્રમોમાં ન્યાયાધીશો અને રાજનેતાઓ એક સ્ટેજ ઉપર ભેગા થતા હોય છે. શરદ પવારે જણાવ્યું હતું કે, જો બંધારણના રક્ષક આ પ્રકારે રાજનેતાઓની મુલાકાત લેશે તો લોકોને શંકા જશે. હવે મને લાગે છે કે ચંદ્રચૂડ સાહેબે પોતાને ઉદ્ધવ સેના વિરુદ્ધ શિંદે સેનાના કેસથી અલગ કરી દેવા જોઇએ. વકીલ ઇન્દિરા જયાસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `એક્સ’ ઉપર વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને ટેગ કરીને આ મુલાકાતની જાહેરમાં નિંદા કરી હતી અને મુખ્ય ન્યાયાધીશની સ્વતંત્રતા ઉપરથી ભરોસો ઊઠી ગયો હોવાની વાત જણાવી હતી. શિંદે સેનાના રાજ્યસભાના સાંસદ મિલિંદ દેવરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન સીજેઆઇના ઘરે ગણેશપૂજામાં ભાગ લે એ અંગે ટિપ્પણ કરવી પાયાવિહોણી છે. વિપક્ષની તરફેણમાં ચુકાદો જો આવે તો સુપ્રીમ કોર્ટ નિષ્પક્ષ અને જો તેમની વિરુદ્ધ ચુકાદો આવે તો કોર્ટની કાર્યશૈલી ઉપર સવાલ ઉઠાવવા સિવાય કોઇ મુદ્દો તેમની પાસે બચ્યો નથી.

