Nepal Flood Relief: ભારતે નેપાળમાં આવેલા વિનાશકારી પૂર અને આપત્તિથી રાહત માટે પોતાનું પાંચમું વિમાન પણ રાહત સામગ્રી અને વિશેષ રેસ્ક્યૂ ટીમ સાથે રવાના કરી દીધું છે. આ મદદ અંગે વિદેશ મંત્રી એસ. જયશંકરે માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે ભારત તરફથી 5.5 ટન જરૂરી દવાઓ, વિશેષ બચાવ સાધનો અને 11 સભ્યોની એક વિશેષ રેસ્ક્યૂ ટીમ લઈને પાંચમું વિમાન નેપાળ માટે રવાના થઈ ગયું છે.
આ પહેલાં ભારત માનવીય સહાય અને આપત્તિ રાહત (HADR) હેઠળ નેપાળને કુલ 4 જથ્થા મોકલી ચૂક્યું છે, જેમાં આશરે 57.5 ટનથી વધુ રાહત સામગ્રી, જનરેટર, તબીબી ટીમો અને શોધ-બચાવ દળ સામેલ રહ્યાં છે. ભારત સરકાર NDRFના નિષ્ણાતો અને જરૂરી સાધનો સાથે નેપાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા અને મૂળભૂત સંપર્ક વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે સતત મદદ કરી રહી છે.
The fifth Indian aircraft has departed for Nepal.
It is carrying an 11-member rescue team with specialised equipment, and 5.5 tonnes of essential medicines.
🇮🇳 🤝🇳🇵 pic.twitter.com/g7f4FqgPk8
— Dr. S. Jaishankar (@DrSJaishankar) September 2, 2026
ભારતે નેપાળને અત્યાર સુધી કઈ-કઈ મદદ મોકલી
- ભારતે 19 સભ્યો ધરાવતી 6 ફોરેન્સિક ટીમોને નેપાળની રાજધાની કાઠમંડુ મોકલી છે. આ ટીમો મૃતદેહોના DNA સેમ્પલિંગ અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવામાં નેપાળના વહીવટીતંત્રને મદદ કરી રહી છે.
- ભારતે 230 ફૂટ લાંબા સિંગલ-લેન મોડ્યુલર સ્ટીલ બ્રિજ બનાવવા માટે 16 ટ્રક સાધનો નેપાળ પહોંચાડ્યા છે.
- સંપર્ક માર્ગોને તાત્કાલિક શરૂ કરવા માટે 7 વધારાના બેલી બ્રિજ અને તેમને ઝડપથી સ્થાપિત કરવા માટે તકનીકી ટીમો પણ મોકલવામાં આવી રહી છે.
- 24/7 કંટ્રોલ રૂમ: ભારતના વિદેશ મંત્રાલયે નેપાળ-ચીન સરહદ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને સ્થાનિક લોકોની સુરક્ષા માટે કાઠમંડુ અને બેઇજિંગમાં ચોવીસ કલાક હેલ્પલાઇન શરૂ કરી છે.
- ભારતે વિશિષ્ટ સાધનોથી સજ્જ 13 સભ્યોની નિષ્ણાત સેના ટીમને ટનલ ઓપરેશન્સ માટે મોકલી છે.
- શોધ અને બચાવ દળ: NDRFના નિષ્ણાતો અને હાઈ-ટેક શોધ સાધનોથી સજ્જ તકનીકી ટીમોને જમીની રાહત કામગીરીને મજબૂત કરવા માટે તહેનાત કરવામાં આવી છે.
નેપાળમાં પૂરને કારણે અત્યાર સુધી 1127 લોકોનાં મોત
નેપાળ પોલીસના સત્તાવાર આંકડા મુજબ 26 ઓગસ્ટે આવેલા વિનાશકારી પૂરના કારણે અત્યાર સુધી 1127 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જ્યારે 4000થી વધુ લોકો ગુમ હોવાનું જણાવાયું છે. ભારત સહિત અન્ય અનેક દેશો તરફથી મદદ મોકલવામાં આવી રહી છે. આ આપત્તિ ચીન-નેપાળ સરહદ નજીક એક ગ્લેશિયર ફાટવાના કારણે આવી હતી.

