Odisha Mine Blast Tragedy: ઓડિશાના ઢેંકનાલમાં એક પથ્થરની ખાણમાં મોટો ધડાકો થયો છે, જેના કારણે ખાણમાં અનેક મજૂરો ફસાઈ ગયા છે. આ દુર્ઘટનામાં અનેક મજૂરોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં મજૂરોને બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઢેંકનાલના ગોપાલપુરમાં આવેલી એક ગેરકાયદેસર પથ્થરની ખાણમાં આ વિસ્ફોટ થયો હતો. જોકે, હજુ સુધી સરકારી અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
ખાણમાં ફસાયેલા મજૂરોને બચાવવા પ્રયાસો તેજ
આ દુર્ઘટના શનિવારે મોડી રાત્રે બની હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિસ્તારની ઘેરાબંદી કરી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. રાહત અને બચાવ અધિકારીઓ અત્યારે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ખાણમાં કેટલા મજૂરો ફસાયેલા છે અને તેમની હાલત કેવી છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ખાણમાં વિસ્ફોટ કરવા માટે જરૂરી પરવાનગી લેવામાં આવી ન હતી અને ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું હતું. સ્થાનિક ફાયર બ્રિગેડ, ઓડિશા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ (ODRAF), ડોગ સ્ક્વોડ અને આધુનિક સાધનો સાથેની બચાવ ટુકડીઓ ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. ઢેંકનાલના કલેક્ટર અને એસપી પણ સ્થળ પર હાજર રહી મોનિટરિંગ કરી રહ્યા છે.
નવીન પટનાયકે તપાસની માંગ કરી
વિપક્ષના નેતા અને પૂર્વ સીએમ નવીન પટનાયકે સોશિયલ મીડિયા પર આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું, ‘ઢેંકનાલમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટના કારણે મજૂરો ફસાયા હોવાના સમાચારથી દુઃખી છું. જાણવા મળ્યું છે કે આ અકસ્માતમાં મજૂરોના મોત થયા છે. આ દુઃખની ઘડીમાં હું પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરું છું.’ નવીન પટનાયકે આ સમગ્ર અકસ્માતની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે અને સરકારને મજૂરોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અનુરોધ કર્યો છે.

