PM Modi Budget Speech 2026: બજેટ ૨૦૨૬ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આ એક એવું અનોખું બજેટ છે જે રાજકોષીય ખાધ ઘટાડવા, મોંઘવારીને નિયંત્રણમાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તેની સાથે આ બજેટમાં હાઈ કેપેક્સ (મૂડી ખર્ચ) અને હાઈ ગ્રોથનું કોમ્બિનેશન પણ છે.’
પીએમ મોદીએ કહ્યું, ‘બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અનેક મોટા પગલાં લેવામાં આવ્યા છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, દેશભરમાં વોટર વેઝનો વિસ્તાર, હાઈ સ્પીડ રેલ કોરિડોર, ટિયર ૨ અને ટિયર ૩ શહેરોના વિકાસ પર વિશેષ ધ્યાન અને શહેરોને મજબૂત આર્થિક આધાર આપવા માટે મ્યુનિસિપલ બોન્ડ્સને પ્રોત્સાહન, આ તમામ પગલાં વિકસિત ભારતની યાત્રાની ગતિને વધુ તેજ કરશે.’
પીએમ મોદીએ બજેટ પર બીજું શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘આ બજેટ ભારતની વૈશ્વિક ભૂમિકાને નવેસરથી સશક્ત કરે છે. ભારતના ૧૪૦ કરોડ નાગરિકો માત્ર સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બનીને જ સંતુષ્ટ નથી. અમે વહેલામાં વહેલી તકે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માંગીએ છીએ. આ કરોડો દેશવાસીઓનો સંકલ્પ છે.’
બજેટ ૨૦૨૬ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘દુનિયાના એક વિશ્વસનીય લોકશાહી ભાગીદાર અને વિશ્વસનીય ગુણવત્તા આપૂર્તિકર્તા તરીકે ભારતની ભૂમિકા સતત વધી રહી છે. તાજેતરમાં જે મોટા વ્યાપારી સોદા ભારતે કર્યા છે, ‘મધર ઓફ ઓલ ડીલ’ નો મહત્તમ લાભ ભારતના યુવાનોને મળે, ભારતના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મળે, તે દિશામાં બજેટમાં મોટા પગલાં લેવામાં આવ્યા છે.’
પીએમ મોદીએ આગળ કહ્યું, ‘આ બજેટમાં મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાનને નવી રફ્તાર આપવા માટે મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ કરવામાં આવ્યો છે. આ બજેટમાં નવી ઉભરતી ઇન્ડસ્ટ્રીઝ એટલે કે સનરાઇઝ સેક્ટરને જે મજબૂતી સાથે સમર્થન આપવામાં આવ્યું છે, તે અભૂતપૂર્વ છે.’
બજેટ ૨૦૨૬ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ભારતની કૃષિ, ડેરી સેક્ટર અને ફિશરીઝને અમારી સરકારે હંમેશા સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આ બજેટમાં પણ નાળિયેર, કોકો, કાજુ અને ચંદનની પેદાશ સાથે જોડાયેલા ખેડૂતો માટે અનેક મહત્વના પગલાં લેવામાં આવ્યા છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘મને ખૂબ આનંદ છે કે આ બજેટમાં ટૂરિઝમ અને ખાસ કરીને પૂર્વોત્તરમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે પણ નક્કર પગલાં લેવામાં આવ્યા છે. ભારતના અલગ-અલગ રાજ્યોને તાકાતવર બનાવીને, સંતુલિત વિકાસનો પાયો પણ આ બજેટમાં મજબૂત કરવામાં આવ્યો છે. આપણા દેશમાં ૧૦ કરોડથી વધુ મહિલાઓ SHGs (સ્વસહાય જૂથો) સાથે જોડાયેલી છે અને આ મોટું સફળ અભિયાન રહ્યું છે. મહિલાઓ દ્વારા નિર્મિત અને સંચાલિત SHGs નું આધુનિક ઇકોસિસ્ટમ બને, બજેટમાં તેને પ્રાથમિકતા આપવામાં આવી છે. કોશિશ એ જ છે કે દરેક ઘરમાં લક્ષ્મીજી પધારે.’
પીએમ મોદીએ કહ્યું, ‘આ બજેટ વર્તમાનના સપનાઓને સાકાર કરે છે અને ભારતના ઉજ્જવળ ભવિષ્યના પાયાને સશક્ત કરે છે. આ બજેટ ૨૦૪૭ ના વિકસિત ભારતની અમારી ઊંચી ઉડાનનો મજબૂત આધાર છે. આજે ભારત જે રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે, આ બજેટથી તેને નવી ઉર્જા, નવી ગતિ મળશે. જે પાથ બ્રેકિંગ રિફોર્મ કરવામાં આવ્યા છે, તે આકાંક્ષાથી ભરેલા ભારતના સાહસિક, પ્રતિભાશાળી યુવાનોને ઉડવા માટે ખુલ્લું આકાશ આપે છે.’

