PM Momento E-Auction નું 8મું સંસ્કરણ શરૂ, હરાજીની રકમથી ગંગા સંરક્ષણને મળશે વેગ

Arati Parmar
2 Min Read

PM મોદીને મળેલી 1,498 ભેટોની 17 સપ્ટેમ્બરથી ઈ-હરાજી, NGMAમાં પ્રદર્શન

PM Momento E-Auction: સંસ્કૃતિ મંત્રાલય 17 સપ્ટેમ્બરથી ‘PM Momento E-Auction’ નું આઠમું સંસ્કરણ શરૂ કરવા જઈ રહ્યું છે. આ ઈ-ઓક્શનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશ અને વિવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો દરમિયાન મળેલી 1,498 ખાસ ભેટો અને સ્મૃતિચિહ્નોને જાહેર બોલી માટે રાખવામાં આવશે. ઈ-ઓક્શનમાં ભાગ લેતા પહેલાં સામાન્ય લોકો આ તમામ ભેટોને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)માં યોજાનારા પ્રદર્શનમાં જોઈ શકશે.

આ પહેલનું આયોજન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સમગ્ર દેશના નાગરિકો માટે કરવામાં આવી રહ્યું છે. સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અનુસાર, આ પગલું PM મોદીના જનસેવા પ્રત્યેના તેમના અભિગમને દર્શાવે છે. આ સંગ્રહ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, બિહાર અને ઓડિશા જેવા ભારતના વિવિધ રાજ્યોની સમૃદ્ધ હસ્તકલા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે.

- Advertisement -

ક્યારે શરૂ થશે ઈ-હરાજી

આ ઈ-હરાજીની શરૂઆત 17 સપ્ટેમ્બરથી થશે. આ આયોજનનો મુખ્ય હેતુ ભારતની કલાત્મક પરંપરાઓ, આધ્યાત્મિક વારસા અને રમતગમતની સિદ્ધિઓનું સન્માન કરવાનો છે. ઈ-હરાજીમાંથી પ્રાપ્ત થનારી સમગ્ર રકમનો ઉપયોગ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના ‘નમામિ ગંગે કાર્યક્રમ’માં કરવામાં આવશે, જેનાથી ગંગા નદીના સંરક્ષણ અને પુનરુત્થાનના કાર્યોને વેગ મળશે.

ભગવાન રામની મૂર્તિ સૌથી મોંઘી

આ વખતે ઈ-હરાજીના સંગ્રહમાંથી 50 સૌથી વિશેષ વસ્તુઓને “હીરો ઑબ્જેક્ટ્સ” તરીકે પસંદ કરવામાં આવી છે. તેમાં કર્ણાટકથી પ્રાપ્ત ભગવાન રામની ચાંદીની પ્રતિમા સૌથી મોંઘી છે, જેની બેઝ પ્રાઇસ 13.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત કાકતીયા કલા તોરણમની ચાંદીની પ્રતિકૃતિ 9 લાખ રૂપિયા, “ટ્રી ઓફ લાઇફ” ગોંડ આર્ટ પેઇન્ટિંગ 7.50 લાખ રૂપિયા, રથ પર સવાર જગન્નાથ પરિવારની પ્રતિમા 6 લાખ રૂપિયા અને 99.99% શુદ્ધ સોનાના પડ ધરાવતી રાધા-કૃષ્ણની કલાકૃતિ 5.40 લાખ રૂપિયા મુખ્ય આકર્ષણો છે.

- Advertisement -

પ્રથમ વખત PMની ભેટોની હરાજી ક્યારે થઈ હતી

જાન્યુઆરી 2019માં પ્રથમ વખત શરૂ થયેલી આ ઈ-હરાજી શ્રેણીના માધ્યમથી અત્યાર સુધીમાં ₹52 કરોડથી વધુની રકમ એકત્ર કરવામાં આવી છે. આ ઈ-ઓક્શનના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું વેચાણ ટોક્યો ઓલિમ્પિક્સ 2020ના સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરાનું જેવલિન એટલે કે ભાલો રહ્યું છે, જેને વર્ષ 2021માં ₹1.5 કરોડની બોલીમાં ખરીદવામાં આવ્યું હતું.

Share This Article