નવી દિલ્હી, તા. 11 : ઉત્તરપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ, પૂર અને વીજળી પડવાથી છેલ્લા 24 કલાકમાં 56 લોકોનાં મોત થયાં હતાં. ઉલ્લેખનીય?છે કે, બદ્રીનાથધામ ખાતે ભૂસ્ખલનના 48 કલાક બાદ પણ લોકો ફસાયા છે. ઉત્તરપ્રદેશમાં અતિવૃષ્ટિથી 32 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યનાં અંદાજિત 12 જિલ્લાઓમાં 800 ગામમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.
પીલીભીત અને લખીમપુર ખીરી ખાતે એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ની ટીમ બચાવ કાર્યમાં જોડાઇ છે. બિહારમાં વીજપ્રપાતથી 21 અને ઝારખંડમાં 3 લોકોનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. હવામાન વિભાગે બિહારમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિત નદીઓનાં પાણી તોફાની બન્યાં?છે. ગોપાલગંજ, પશ્ચિમ ચંપારણ સહિત વિવિધ જિલ્લાઓમાં તારાજી સર્જાઇ છે. હવામાન વિભાગે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને ગોવામાં અતિવૃષ્ટિને લઇને ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે.

આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, બંગાળ, ઓરિસ્સા તથા કર્ણાટકમાં યેલો એલર્ટની સ્થિતિ છે. હિમાચલ પ્રદેશમાં રાજ્ય આપાતકાલીન વિભાગ અનુસાર મંડી જિલ્લાના 5, શિમલાના 4 અને કાંગડાનાં 3 મુખ્ય માર્ગો ભૂસ્ખલનનાં કારણે બંધ કરાયા છે તથા બે અઠવાડિયામાં 22 લોકોનાં મૃત્યુ થયાં?છે. રાજ્ય સરકારનાં અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધી 172 કરોડ જેટલું સંપત્તિને નુકસાન થયું છે.આ ઉપરાંત ઉત્તરાખંડમાં ચમોલી પાસ ભૂસ્ખલનમાં નાનો પહાડ માર્ગો પર ધસી પડયા બાદ 48 કલાકથી પણ વધુ સમયથી બે હજાર જેટલા યાત્રીઓ ફસાયેલા છે.

